વૈશ્વિક સોનામાં ધીમો સુધારો છતાં રૂપિયો મજબૂત થતાં સ્થાનિકમાં રૂ. 477નો ઘટાડો, ચાંદી રૂ. 885 તૂટી
યુબીએસએ માર્ચ અંત સુધીમાં વૈશ્વિક સોનાનો અંદાજ 3600 ડૉલરનો મૂક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આગામી 21થી 23 ઑગસ્ટ દરમિયાન ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો હતા. વધુમાં યુબીએસએ ગઈકાલે અમેરિકાના બૃહદ આર્થિક જોખમો અને ભવિષ્યમાં સોનામાં રોકાણલક્ષી માગમાં વધારો થાય તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આગામી માર્ચ, 2026ના અંત સુધીમાં વૈશ્વિક સોનાના ભાવ આૈંસદીઠ 3600 ડૉલરની સપાટી સુધી પહોંચે તેવો અંદાજ મૂક્યો હોવાના અહેવાલ હતા.
જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 26 પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી ખાસ કરીને સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 485થી 487નો ઘટાડો આવ્યો હતો, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાએ રૂ. 99,000ની સપાટી ગુમાવી હતી. જોકે, ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં કિલોદીઠ રૂ. 885નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 885ના ઘટાડા સાથે રૂ. 1,13,165ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં મજબૂત વલણ રહેતાં આયાત પડતરોમાં જોવા મળેલા ઘટાડા ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 475 ઘટીને રૂ. 98,749 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 477 ઘટીને રૂ. 99,146ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાધારણ 0.2 ટકા વધીને આૈંસદીઠ 3337.62 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 3381.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 37.88 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી 21થી 23 ઑગસ્ટ દરમિયાન જેક્સન હૉલ ખાતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્યમાં આર્થિક ભાવી અને ભવિષ્યની નાણાનીતિ અંગે કોઈ દિશા નિર્દેશ આપવામાં આવે છે કે કેમ તેના પર તેમ જ આગામી બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર રોકાણકારોની નજર હોવાથી આજે સાવચેતીનું વલણ જોવા મળ્યું હોવાનું કેપિટલ ડૉટ કૉમનાં વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્વિક સોનું કોન્સોલિડેશનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય તેમ જણાય છે.
જોકે, હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ તેની આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 ટકાનો કાપ મૂકે તેવો 84 ટકા આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ છતાં જેક્સન હૉલના વક્તવ્યમાં જૅરૉમ પૉવૅલ નાણાનીતિ અંગે વધુ સ્પષ્ટતા કરશે તેવી ધારણા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
દરમિયાન ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીને યુક્રેનની સલામતી માટે અને રશિયા સાથેના યુદ્ધનો અંત લાવવા મદદરૂપ થવા માટે વૉશિંગ્ટન બાંયધરી આપશે, એમ જણાવ્યું હતું.