ઑક્ટોબર મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં ઘટાડોઃ ક્રિસિલ

કોલકાતાઃ ગત ઑગસ્ટ, 2024 પછી ગત ઑક્ટોબર મહિનામાં ભારતની મર્કન્ડાઈઝ નિકાસ વાર્ષિક સરેરાશ 11.8 ટકાના દરે ઘટીને 34.38 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું ક્રિસિલે તાજેતરના એક અહેવાલમાં જણાવ્યું છે.
આ વર્ષે ગત 27મી ઑગસ્ટથી અમેરિકાએ ભારતથી આયાત થતાં માલ સામેની ટૅરિફ વધારીને 50 ટકા કરી હોવાથી નિકાસ દબાણ હેઠળ આવતા સતત બીજા મહિનામાં નિકાસમાં ઘટાડો થયો છે. પેટ્રો પેદાશ, જેમ્સ અને જ્વેલરી સહિતનાં તમામ મુખ્ય ક્ષેત્રોની નિકાસ ઘટી હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
અહેવાલમાં જણાવ્યાનુસાર ગત ઑક્ટોબરમાં વર્ષાનુવર્ષ ધોરણે પેટ્રો પેદાશની નિકાસ જે આગલા સપ્ટેમ્બરમાં 15.1 ટકા વધી હતી તેની સામે 10.4 ટકા ઘટી હતી. તે જ પ્રમાણે મુખ્ય નિકાસ જે આગલા સપ્ટેમ્બરમાં 6.1 ટકા વધી હતી તેની સામે 10.2 ટકાનો ઘટાડો થયો હતો. જોકે, અમેરિકા ખાતે ગત ઑક્ટોબર મહિનામાં મર્કન્ડાઈઝ નિકાસ 8.6 ટકા ઘટીને 6.3 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, આગલા સપ્ટેમ્બર મહિનામાં નિકાસમાં જોવા મળેલા 11.9 ટકાના ઘટાડાની સરખામણીમાં ઓછો ઘટાડો જોવા મળ્યો હતો.
ગત 16મી નવેમ્બરે અમેરિકાએ 254 ખાદ્યચીજો પરનાં ટૅરિફનાં દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હોવાથી ચા અને મસાલા જેવી નિકાસનો વધારો થવાની શક્યતા અહેવાલમાં વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે અમેરિકા સિવાયની બજારો ખાતેની નિકાસ પણ આગલા સપ્ટેમ્બર મહિનાના 10.9 ટકાના ઘટાડા સામે વધીને 12.9 ટકાના દરે ઘટી હતી.
વધુમાં અહેવાલમાં જણાવ્યું હતું કે સર્વિસીસ ક્ષેત્રે મજબૂત વેપાર, રેમિટન્સ અને ક્રૂડતેલના ભાવ નીચી સપાટીએ પ્રવર્તી રહ્યા હોવાથી ચાલુ ખાતાની ખાધ મેનેજ થઈ શકે તેમ છે. જોકે, દેશમાં ગત ઑક્ટોબર મહિનામાં મર્કન્ડાઈઝ આયાત 76.06 અબજ ડૉલરની સપાટીએ સ્થિર રહી હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું.
આપણ વાંચો: વિદેશી હૂંડિયામણની અનામતમાં 5.54 અબજનો ઉછાળો



