વર્ષ 2024-25ની મોસમમાં 312.40 લાખ ગાંસડી રૂના ઉત્પાદનનો અંદાજ | મુંબઈ સમાચાર
વેપાર

વર્ષ 2024-25ની મોસમમાં 312.40 લાખ ગાંસડી રૂના ઉત્પાદનનો અંદાજ

મુંબઈઃ આગામી 30મી સપ્ટેમ્બરના રોજ પૂરી થઈ રહેલી વર્તમાન વર્ષ 2024-25ની રૂ મોસમમાં દેશનાં મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં ઊપજ ઓછી રહેતાં ઉત્પાદન આગલી મોસમની પ્રત્યેક 170 કિલોગ્રામની એક એવી 336.45 લાખ ગાંસડી સામે ઘટીને 312.40 લાખ ગાંસડી રહેવાનો અંદાજ કોટન એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ મૂક્યો છે.

એસોસિયેશનનાં જણાવ્યાનુસાર ગત ઑગસ્ટ સુધીમાં રૂનો કુલ પુરવઠો 383.03 લાખ ગાંસડીનો રહ્યો છે, જેમાં પ્રેસિંગની 307.09 લાખ ગાંસડી, આયાતી 36.75 લાખ ગાંસડી અને 39.19 લાખ ગાંસડી ખૂલતી મોસમના સ્ટોકની હોવાનું જણાવ્યું હતું. વધુમાં ગત ઑગસ્ટ સુધીમાં 17 લાખ ગાંસડીની નિકાસ સાથે વપરાશ 286 લાખ ગાંસડીનો રહેતાં ઑગસ્ટના અંતે 80.03 લાખ ગાંસડીના સ્ટોકનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જેમાં ટેક્સ્ટાઈલ મિલો પાસે 35 લાખ ગાંસડી અને શેષ 45.03 લાખ ગાંસડીનો સ્ટોક કોટન કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, મહારાષ્ટ્ર ફેડરેશન અને અન્યો (એમએનસી, ટ્રેડરો, જિનરો અને નિકાસકારો) પાસે હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

જોકે, એસોસિયેશને વર્તમાન વર્ષ 2024-25ની મોસમના અંત સુધીમાં કુલ પુરવઠાનો અંદાજ જે અગાઉ 389.59 લાખ ગાંસડીનો મૂક્યો હતો તે વધારીને 392.59 લાખ ગાંસડીનો મૂક્યો છે. જેમાં 39.19 લાખ ગાંસડી ખૂલતો સ્ટોક, પ્રેસિંગનો 312.40 લાખ ગાંસડી અને 41 લાખ ગાંસડી આયાતીનો સમાવેશ થાય છે. જોકે, એસોસિયેશને સ્થાનિક વપરાશનો અંદાજ 314 લાખ ગાંસડીનો જાળવી રાખવાની સાથે 18 લાખ ગાંસડી નિકાસનો અંદાજ પણ જાળવી રાખ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો…મર્યાદિત માગ વચ્ચે ખાંડમાં નરમાઈ

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button