નફારૂપી વેચવાલીના દબાણે કોપર વાયરબાર નિકલની આગેવાનીમાં પીછેહઠ
વેપાર

નફારૂપી વેચવાલીના દબાણે કોપર વાયરબાર નિકલની આગેવાનીમાં પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક સ્તરે કોપરમાં પુરવઠાખેંચની ભીતિ વચ્ચે ગઈકાલે વિશ્વ બજાર પાછળ કોપર સહિતની ધાતુઓનાં ભાવમાં ઝડપી તેજી આવ્યા બાદ આજે લંડન ખાતે વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને નિકલ, બ્રાસ, એલ્યુમિનિયમ ઝિન્ક સ્લેબ અને કોપર વાયરબાર સહિતની અમુક વેરાઈટીઓમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી 25 સુધીનો ઘટાડો આવ્યો હતો.

જોકે, આજે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર કેબલ સ્ક્રેપમાં માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ અને રૂ. એક વધી આવ્યા હતા તથા અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે કોપર વાયરબાર અને નિકલમાં નફારૂપી વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાથી તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 25 ઘટીને રૂ. 980 અને રૂ. 15 ઘટીને રૂ. 1352ના મથાળે રહ્યા હતા.

આ સિવાય અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. 625, કોપર આર્મિચર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને અનુક્રમે રૂ. 874 અને રૂ. 285, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને રૂ. 891 અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. 583, રૂ. 216 અને રૂ. 260ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે માત્ર કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલી જળવાઈ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 805ના મથાળે અને કોપર કેબલ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકના સુધારા સાથે રૂ. 902ના મથાળે રહ્યા હતા, જ્યારે લીડ ઈન્ગોટ્સ અને ટીનમાં ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 185 અને રૂ. 3140ના મથાળે ટકેલા રહ્યા હતા.

આ પણ વાંચો…સોના-ચાંદીમાં સામસામા રાહઃ વિશ્વ બજાર પાછળ ચાંદી રૂ. 2951 ઉછળી, સોનામાં રૂ. 235ની પીછેહઠ

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button