એપ્રિલથી ઑગસ્ટમાં કોલસાનું ઉત્પાદન સાધારણ ઘટીને 38.175 કરોડ ટન

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન દેશમાં કોલસાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 38.4037 કરોડ ટન સામે સાધારણ 0.6 ટકા ઘટીને 38.175 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું સરકારે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલા કોલસાના કુલ 38.175 કરોડ ટન ઉત્પાદનમાં કોલ ઈન્ડિયાનું ઉત્પાદન 28.015 કરોડ ટન, સિંગારેની કોલિયરીઝ કંપની લિ.નું ઉત્પાદન 2.419 કરોડ ટન અને કેપ્ટિવ તથા અન્યનું ઉત્પાદન 7.741 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. નોંધનીય બાબત એ છે કે દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં કોલ ઈન્ડિયા લિ. 80 ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવે છે.
જોકે, ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં કોલસાનું ઉત્પાદન ઑગસ્ટ, 2024નાં 6.263 કરોડ ટન સામે 11.5 ટકા વધીને 6.987 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. એકંદરે સરકારે ઉત્પાદન વૃદ્ધિ માટે લીધેલા શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પગલાં, સરકારની સતત દેખરેખ સહિત ઉદ્યોગના હિસ્સેધારકોને ટેકો આપવાને કારણે ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે.
આ પ્રયાસોની જ કાર્યકારી મંજૂરીઓ મેળવવામાં અને ઉત્પાદન વધારામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આમ એકંદરે કોલસાના ઉત્પાદનમાં અને રવાનગીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
વધુમાં કોલસા મંત્રાલયે કોલસાના કેપ્ટિવ અને કોમર્શિયલ ધોરણે કોલસાના ખાણકામની સંભાવનાને સંપૂર્ણપણે સાકાર કરવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. તેમ જ સરકારે કોલસાના ઉત્પાદન વધારવા, પુરવઠામાં થતા વિક્ષેપો ઘટાડવાની સાથે દેશમાં વધી રહેલી ઊર્જાની આવશ્યકતામાં નોંધપાત્ર યોગદાન આપવા પર ભાર મૂકવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
આ પણ વાંચો…ઝારખંડના રામગઢમાં ગેરકાયદેસર કોલસા ખનન દરમિયાન દુર્ઘટના; 4ના મોત,6 ગંભીર ઘાયલ