સપ્ટેમ્બરમાં વરસાદને કારણે કૉલ ઈન્ડિયાનું ઉત્પાદન ઘટ્યુંઃ રેડ્ડી | મુંબઈ સમાચાર
વેપાર

સપ્ટેમ્બરમાં વરસાદને કારણે કૉલ ઈન્ડિયાનું ઉત્પાદન ઘટ્યુંઃ રેડ્ડી

નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં વરસાદને કારણે ખનન પ્રવૃત્તિમાં વિક્ષેપ થવાથી ખાનગી ક્ષેત્રની કોલસાની ઉત્પાદક કંપની કૉલ ઈન્ડિયા લિ.નાં કોલસાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ દેશમાં કોલસાની કોઈ અછત ન હોવાનું કોલસા અને ખનન ખાતાના પ્રધાન જી કિશન રેડ્ડીએ આજે જણાવ્યું હતું.

અત્રે આઈસીસીનાં વાર્ષિક સત્ર પશ્ચાત્‌‍ પત્રકાર વર્તુળોને તેમણે જણાવ્યું હતું કે વરસાદને કારણે ગત સપ્ટેમ્બર મહિનામાં કૉલ ઈન્ડિયા લિ.નું કોલસાનું ઉત્પાદન ઘટ્યું હતું. ઉદ્યોગના નિષ્ણાતોના મતાનુસાર ભારે વરસાદ અને પાણી ભરાઈ જવાને કારણે ખનન કાર્યમાં વિક્ષેપ થતાં સપ્ટેમ્બર મહિનાનું ઉત્પાદન વર્ષાનુવર્ષ ધોરણે સપ્ટેમ્બર, 2024ના 5.094 કરોડ ટન સામે 3.9 ટકા ઘટીને 4.897 કરોડ ટનની સપાટીએ રહ્યું છે.

આપણ વાંચો: વર્તમાન નાણાકીય વર્ષમાં કોલસાની માગ મંદ રહેવાની શક્યતાઃ એમ જંક્શન

નોંધનીય બાબત એ છે કે દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં કોલ ઈન્ડિયા લિ. 80 ટકા જેટલો બહોળો હિસ્સો ધરાવે છે. એકંદરે સરકાર કોલસાની આયાતમાં ઘટાડો કરવા માટે સ્થાનિકમાં ઉત્પાદન વધે તેવી અપેક્ષા રાખી રહી છે ત્યારે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિન્દાલ સ્ટેઈનલેસ સ્ટીલના મેનેજિંગ ડિરેક્ટર અભ્યુદય જિન્દાલે જણાવ્યું હતું કે સ્ટીલ,, કોલસો અને ખનન ત્રણેય એકબીજા પર નિર્ભર એવાં ક્ષેત્રો છે અને મુખ્ય ઉદ્યોગોમાં તેની ભૂમિકા મહત્ત્વની છે. તેમ જ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની પરિકલ્પના સાકાર કરવા અને આર્થિક ભવિષ્ય માટે આત્મનિર્ભતા જરૂરી છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કૉલ ઈન્ડિયાનું કોલસાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 34.135 કરોડ ટન સામે ઘટીને 32.914 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. જોકે, વર્તમાન નાણાકીય વર્ષ 2025-26 માટે કૉલ ઈન્ડિયાએ 87.5 કરોડ ટનના ઉત્પાદનનો અને 90 કરોડ ટનની રવાનગીનો લક્ષ્યાંક રાખ્યો છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button