વર્તમાન નાણાકીય વર્ષમાં કોલસાની માગ મંદ રહેવાની શક્યતાઃ એમ જંક્શન

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ચોમાસું લંબાઈ જવાને કારણે દેશમાં કોલસાની એકંદરે માગ મંદ રહે તેવી શક્યતા બી ટૂ બી કોમર્સ પ્લેટફોર્મ એમ જંક્શને વ્યક્ત કરી છે.
આગામી મધ્યમથી લાંબા સમયગાળા દરમિયાન એકંદરે કોલસાની માગ સારી રહેશે, પરંતુ પાઈપલાઈનમાં સ્ટોકનું પ્રમાણ વધુ હોવાને કારણે વૃદ્ધિ દર ધીમો રહે તેમ જણાય છે કેમ કે થર્મલ પાવર પ્રોજેક્ટમાં પર્યાપ્ત સ્ટોક હોવાનું જણાવવામાં આવ્યું છે. એમ જંક્શન સર્વિસીસનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વિનય વર્માએ જણાવ્યું હતું કે હાલમાં સ્થાનિક કોલસા બજાર માલબોજનો સામનો કરી રહી છે. જોકે, આ સ્થિતિ કામચલાઉ ધોરણની છે અને ખાણમાં કામ કરનારાઓની સુરક્ષા તથા સલામતીને ધ્યાનમાં રાખીને માગ તથા પુરવઠા વચ્ચે સંતુલન જાળવવાની આવશ્યકતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો: કોલ ગેસિફિકેશન ટેકનોલોજી પ્રોત્સાહન માટે કોલસા મંત્રાલયનું અભિયાન
નોંધનીય બાબત એ છે કે એમ જંક્શન એ કોલસાના ઈ ઑક્શનની પ્રણેતા છે અને છેલ્લાં 25 વર્ષમાં 84.4 કરોડ ટન કોલસાનું પ્લેટફોર્મ પરથી વેચાણ કર્યું છે. કેપ્ટિવ અને કોમર્શિયલ કોલસાનાં ઉત્પાદનમાં જોવા મળેલા ઊંચા દ્વી અંકી સંખ્યાના વૃદ્ધિદરને કારણે એક અબજ ટન કોલસાના ઉત્પાદનનો સિમાચિહ્નરૂપ આંક જોવા મળ્યો હતો. જોકે, આ વર્ષે પુરવઠો વધવાને કારણે માગમાં અપેક્ષિત વૃદ્ધિ જોવા નહીં મળે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે રિન્યુએબલ સેક્ટરમાં કેપ્ટિવ અને કોમર્શિયલ કોલની માગ તાજેતરના મહિનાઓમાં ધીમી પડી છે તેની સામે કોલસા આધારિત એનર્જી ઉત્પાદકોની માગમાં નકારાત્મક વૃદ્ધિદર જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ગત ઑગસ્ટ,2025 સુધી દેશનાં કોલસા આધારિત પાવર ઉત્પાદકોની માગમાં વર્ષાનુવર્ષ ધોરણે 5.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું એમ જંક્શને યાદીમાં ઉમેર્યું હતું.