વેપાર

ચીનની અમુક અમેરિકી ઉત્પાદનોની આયાતને ટૅરિફમાંથી મુક્તિની વિચારણાએ વૈશ્વિક સોનામાં પીછેહઠ

સ્થાનિકમાં સોનું રૂ. 617 તૂટ્યું, ચાંદી રૂ. 121 નરમ

મુંબઈઃ ચીન અમુક અમેરિકી ઉત્પાદનોને ટૅરિફમાંથી મુક્તિ આપવા બાબતે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવ અનુક્રમે 1.4 ટકાનો અને 1.1 ટકા તથા ચાંદીના ભાવ 0.6 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 614થી 617નો ઘટાડો આવ્યો હતો અને ભાવ રૂ. 96,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 121 ઘટી આવ્યા હતા.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સની માહિતી અનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. 121ના ઘટાડા સાથે રૂ. 97,513ના મથાળે રહ્યા હતા. જોકે, ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની એકંદર માગ જળવાઈ રહેતાં ભાવમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ તેમ જ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 614 ઘટીને રૂ. 95,286 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 617 ઘટીને રૂ. 96,286ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે ચીને અમેરિકી ઉત્પાદનો પર લાદેલી 125 ટકા ટૅરિફમાંથી અમુક ઉત્પાદનોને બાકાત અથવા તો ટૅરિફમાંથી મુક્ત રાખવા અંગે વિચારણા કરી રહ્યું હોવાથી બિજિંગ પણ સંભવિત ટ્રેડ વૉરથી આર્થિક સ્થિતિ કથળે તેનાથી વાકેફ હોવાનું ફલિત થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.4 ટકા ઘટીને આૈંસદીઠ 3302.81 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 1.1 ટકા ઘટીને 3312.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 33.37 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

વધુમાં ચીને ટ્રેડ હળવું કરવા માટે અમેરિકા સાથે કોઈ ચર્ચા નથી થતી એવા કરેલા દાવા સામે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપાર અંગે વાટાઘાટો થઈ રહી હોવાનું જણાવ્યું હતું. એકંદરે ચીન અમુક અમેરિકી ઉત્પાદનોને ટૅરિફમાંથી મુક્તિ આપવા વિચારણા કરી રહ્યું છે, જે એક સકારાત્મક બાબત હોવાનું જણાતા આજે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ હળવી બની હોવાનું આઈજી માર્કેટના વિશ્લેષક યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ચીનનાં વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો અમેરિકા ખરેખર વિવાદનો ઉકેલ લાવવા ઈચ્છતુ હોય તો તેમણે ચીન સામે લાદેલા રેસિપ્રોકલ ટૅરિફ સહિતનાં પગલાં દૂર કરવા જોઈએ.

અત્રે નોંધનીય બાબત એ છે કે વૈશ્વિક અસ્થિરતાના સંજોગોને ધ્યાનમાં લેતા સલામતી માટેની માગને ટેકે વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામત ગણાતા સોનાના ભાવમાં 700 ડૉલર જેટલો ઉછાળો આવી ગયો છે અને ગત મંગળવારે ભાવ આૈંસદીઠ 3500.05 ડૉલરની નવી વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, લાંબા સમયગાળા માટે જોઈએ તો જ્યાં સુધી ટૅરિફ અંગેની સ્પષ્ટતા ન થાય અને રાજકીય-ભૌગોલિક સ્થિતિમાં સુધારો ન જણાય ત્યાં સુધી સોનામાં અન્ડરટોન તો મજબૂતીનો જ રહે તેવી શક્યતા રૉન્ગે વ્યક્ત કરી હતી.

વધુમાં ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પનાં વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવનાર ટૅરિફની અર્થતંત્ર પરની અસરો સ્ષ્ષ્ટ ન થાય ત્યાં સુધી ફેડરલ રિઝર્વ નાણાં નીતિ હળવી કરવાની કોઈ ઉતાવળ નહીં કરે.

આ પણ વાંચો…આરબીઆઇ લિક્વિડિટી વધારવા માટે સિસ્ટમમાં ₹ 40 હજાર કરોડ ઠાલવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button