વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વધુ રૂ. 4950ની આગઝરતી તેજી, સોનામાં તેજીને બે્રક, રૂ. 1104નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ચાંદીના ભાવમાં 2.6 ટકાનો ઝડપી ઉછાળો આવવાની સાથે ભાવ આૈંસદીઠ 50 ડૉલરની ઉપર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સોનામાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ભાવ ઘટી આવ્યા બાદ ધીમો સુધારો આવ્યો હોવાના નિર્દેશો હતો.
આમ વૈશ્વિક બજારને અનુસરતા આજે સ્થાનિકમાં ખાસ કરીને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4950ની આગઝરતી તેજી આગળ ધપી હતી અને ભાવ 1.64 લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનામાં તેજીને બે્રક લાગતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1100થી 1104નો ઘટાડો આવ્યો હતો.
આપણ વાંચો: ઊંચા મથાળે ઘરાકી માગ ઠંડી પડતા સોનાચાંદીના ભાવમાં ઘટાડો
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 4950ના ઉછાળા સાથે રૂ. 1,64,500ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર રોકાણલક્ષી છૂટીછવાઈ માગ જોવા મળી હતી અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહી હતી.
વધુમાં આજે સોનામાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1100ના ઘટાડા સાથે રૂ. 1,21,038 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1104ના ઘટાડા સાથે રૂ. 1,21,525ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત બુધવારે વિશ્વ બજારમાં સોનાના ભાવ આૈંસદીઠ 4059.05 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ ગઈકાલે ઈઝરાયલ-હમાસ વચ્ચેની યુદ્ધ વિરામની યોજનાને પગલે સલામતી માટેની માગમાં ઘટાડો થતાં ભાવમાં પીછેહઠ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી હાજરમાં સોનાના ભાવ 0.6 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 3998.02 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: બુુલિયન માર્કેટમાં નિરસ હવામાન વચ્ચે સોનાચાંદીના ભાવ ઘટ્યા
તેમ જ આ સપ્તાહમાં અત્યાર સુધીમાં ભાવમાં સાપ્તાહિક ધોરણે 2.9 ટકાનો ઉછાળો આવ્યો છે. તેમ જ વાયદામાં ભાવ એક ટકો વધીને આૈંસદીઠ 4012.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે હાજર ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ 2.6 ટકા વધીને આૈંસદીઠ 50.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સોનામાં સલામતી માટેની માગ દબાણ હેઠળ આવી હતી અને ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું એલિગન્સ ગોલ્ડનાં વિશ્લેષક એલેક્સ એબાકરીમે જણાવતાં ઉમેર્યું હતું કે હાલનાં ભૂરાજકીય જોખમો, કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં અવિરત લેવાલી, એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં સોનામાં વધતા આંતરપ્રવાહ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શક્યતાઓ જેવાં વૈશ્વિક પરિબળોને ધ્યાનમાં લેતાં આગામી થોડાં વર્ષો દરમિયાન સોનામાં મક્કમ અન્ડરટોન જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
વધુમાં અન્ય એક વિશ્લેષકે જણાવ્યું હતું કે લંડન ઓટીસી પર પર પ્રવાહિતાની અછત વચ્ચે ચાંદીમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું છે તેમ જ ચાંદીમાં લેણના ઓળિયા વધુ હોવાથી ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા પ્રબળ જણાય છે.
વધુમાં આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર અને ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યાના અહેવાલ છે.



