
નવી દિલ્હી: સ્ટીલની આયાતને લગતી સમસ્યાના ઉકેલ માટેની દિશામાં સરકાર કાર્ય કરી રહી હોવાનું કેન્દ્રિય સ્ટીલ પ્રધાન એચ ડી કુમારસ્વામીએ આજે જણાવ્યું હતું.
અત્રે ફિક્કિ દ્વારા આયોજિત ‘ઈલેક્ટ્રિક વેહિકલ્સ-એક્સલરેટિંગ ઈ-મોબિલિટી:અનેબલર્સ ઍન્ડ ઈમ્પેરેટિવ’ વિષય પર આયોજિત પરિસંવાદ પશ્ર્ચાત્ કુમારસ્વામીએ જણાવ્યું હતું કે સ્ટીલ ઉદ્યોગે સરકારને માહિતગાર કર્યા હોવાથી સરકાર આ મુદ્દાથી વાકેફ છે.
સ્ટીલ ઉદ્યોગના ખેલાડીઓએ સરકારને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે અમુક દેશોથી થઈ રહેલી આયાતમાં અમને હલકી ગુણવત્તાના માલ મળી રહ્યા છે અને અમે આ દિશામાં કાર્ય કરી રહ્યા છીએ.
નોંધનીય બાબત એ છે કે સ્થાનિક ખેલાડીઓ સતત ચોક્કસ દેશોમાં સ્ટીલની થઈ રહેલી સસ્તી આયાતને કારણે તેમની સ્પર્ધાત્મકતા પર માઠી અસર પડવા અંગે ચિંતા વ્યક્ત કરતાં રહ્યા છે.
બિગમિન્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ધ્રુવ ગોયલે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસિક ગાળામાં જ સ્ટીલની આયાતમાં ૫૦ ટકા જેટલો વધારો થયો છે અને આયાતમાં મોટો હિસ્સો ચીનનો છે. ચીન ખાતે સ્થાનિક માગ નબળી રહેતી હોવાથી ચીનની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે અને વર્તમાન કેલેન્ડર વર્ષ ૨૦૨૪માં ચીનની સ્ટીલની નિકાસ ૧૦ કરોડ ટનનો આંક વટાવીને આઠ વર્ષની ઊંચી સપાટીએ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં મુક્ત વેપાર કરારને પગલે ડ્યૂટી માફી હોવાથી વિયેટનામથી પણ ભારત ખાતેની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
બિગમિન્ટની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં સ્ટીલની આયાત ગત સાલના સમાનગાળાના ૩૬.૬ લાખ ટન સામે વધીને ૫૫.૧ લાખ ટનની સપાટીએ રહી છે, જેમાં ચીનથી આયાત ગત સાલના સમાનગાળાના ૧૦.૨ લાખ ટન સામે વધીને ૧૮.૫ લાખ ટનની સપાટીએ રહી છે.