વેપાર

Bullion Market: મુંબઈના ઝવેરી બજારમાં સોનાના ભાવમાં તેજી, જાણો આજના સોનાચાંદીના ભાવ?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ મંત્રણાના અહેવાલ છતાં ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું અને વાયદામાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં પણ વધુ 0.5 ટકાની આગેકૂચ જળવાઈ રહી હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 11 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 293થી 294ની તેજી આવી હતી, જ્યારે ચાંદીમાં વૈશ્શ્વક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1668 ઉછળીને રૂ. 91,000ની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયો નબળો પડતાં આયાત પડતરો વધતાં હાજરમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 293 વધીને રૂ. 78,403 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 294 વધીને રૂ. 78,718ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1668 ઉછળીને રૂ. 91,218ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના વધ્યા મથાળા આસપાસ એક મહિનાની ઊંચી આૈંસદીઠ 2696.69 ડૉલરઅને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને 2726.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 30.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકા ખાતે ડિસેમ્બર મહિનાનો ફુગાવો અપેક્ષિત સપાટી આસપાસ રહેતાં ફેડરલ રિઝર્વ આ વર્ષે ઓછી નિયંત્રાત્મક નીતિ અપનાવે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો. એકંદરે કોર ઈન્ફ્લેશનમાં અનપેક્ષિતપણે ઘટાડો અને ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં ખાસ વધારો ન થતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જીગર ત્રિવેદીએ જણાવતા ઉમેર્યું હતું કે ડિસઈન્ફલેશન તરફની પ્રગતિ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ દબાણ હેઠળ લાવશે અને ફેડરલ રિઝર્વ હળવી નાણનીતિ અપનાવતા સોનામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે.

આ પણ વાંચો…એક તરફ યુદ્ધવિરામની જાહેરાત; બીજી તરફ ઇઝરાયલનો રોકેટમારો, 32 પેલેસ્ટીનિયનના મોત

એકંદરે ગઈકાલના ફુગાવાના ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ વર્ષ 2025માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત કાપ મૂકશે જેમાં પહેલી વખત કપાત જૂન મહિનામાં જોવા મળે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. કેન્દ્રવર્તી બૅન્કના અધિકારીઓ જણાવે છે કે અમેરિકા ખાતે ફુગાવામાં ઘટાડો જરૂર થઈ રહ્યો છે, પરંતુ આગામી મહિનાઓમાં નવાં પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર-વેરાની નીતિની ફુગાવા પર કેવી અસર પડે છે તેનાં પર અમારી નજર છે. કેમ કે હાલના તક્ક્કે ટ્રમ્પના વહીવટીતંત્રની નીતિઓ ફુગાવાલક્ષી દબાણ વધારે તેવી ધારણા મુકવામાં આવી રહી છે. જોકે, ગઈકાલે ફુગાવાની જાહેરાત પશ્ચાત્‌‍ ડૉલર ઈન્ડેક્સ પણ ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો. તેમ જ ઈઝરાયલ હમાસ વચ્ચે શાંતિ કરાર થવાના અહેવાલ પણ વહેતા થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button