મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડ અને સરસવમાં સુધારો

મુંબઈ: ગુજરાતના મથકો પર આજે ખાસ કરીને વૉશ્ડ કૉટન અને રાજસ્થાનના મથકો પર સરસવના તેલના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં 10 કિલોદીઠ સરસવ અને કપાસિયા રિફાઈન્ડના ભાવમાં અનુક્રમે રૂ. 10 અને રૂ. પાંચનો સુધારો આવ્યો હતો. જોકે, ગઈકાલે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં 58 સેન્ટનો અને આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 23 રિંગિટનો ઘટાડો આવ્યો હોવા છતાં આજે શિકાગો સોયાતેલના વાયદાના પ્રોજેક્શનમાં સુધારો આવ્યો હોવાના નિર્દેશને ધ્યાનમાં લેતા આયાતી તેલમાં માત્ર સોયા રિફાઈન્ડના ભાવમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો સુધારો આવ્યો હતો અને અન્ય દેશી-આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં માત્ર સેલરિસેલ ધોરણે આરબીડી પામોલિનના છૂટાછવાયા 50થી 100 ટનના થયેલા વેપારને બાદ કરતાં હાજર અને ડાયરેક્ટ ડિલિવરી શરતે વેપારનો સદંતર અભાવ રહ્યો હતો. જોકે, આજે મોડી સાંજે ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના 10 કિલોદીઠ ભાવમાં રૂચીના રૂ. 865, અલાનાના રૂ. 870 અને ગોલ્ડન એગ્રીના કંડલાથી ડિલિવરી શરતે રૂ. 860, મેંગ્લોરથી ડિલિવરી શરતે રૂ. 865 અને જેએનપીટીથી રૂ. 875 ક્વૉટ થઈ રહ્યા હતા. આજે સ્થાનિકમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 860, ક્રૂડ પામતેલના રૂ. 830, સોયા રિફાઈન્ડના રૂ. 905, સોયા ડિગમના રૂ. 880, સન રિફાઈન્ડના રૂ. 905, સન ક્રૂડના રૂ. 845, સિંગતેલના રૂ. 1500, કપાસિયા રિફાઈન્ડના રૂ. 900 અને સરસવના રૂ. 1000ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતના મથકો પર 10 કિલોદીઠ વૉશ્ડ કૉટન અને સિંગતેલના ભાવ અનુક્રમે રૂ. 840 અને રૂ. 1475 તથા સિંગતેલના તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2360માં થયા હતા. આજે મધ્ય પ્રદેશના મથકો પર સોયાબીનની અંદાજે 1.50 લાખ ગૂણીની આવક હતી. તેમ જ રાજસ્થાનમાં 2.50 લાખ ગૂણી સરસવની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5475થી 5500માં, સરસવ તેલના વેપાર 10 કિલોદીઠ રૂ. 993થી 994માં, કચ્ચી ઘાણીના વેપાર રૂ. 1003થી 1004માં અને સરસવ ખોળના વેપાર ક્વિન્ટલે રૂ. 2620થી 2625ના અહેવાલ હતા.