વેપાર

વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું ₹ ૭૨૫ ઉછળીને ₹ ૫૯,૦૦૦ની પાર અને ચાંદી ₹ ૧૧૪૮ ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે વૈશ્ર્વિક સોનામાં ત્રણ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨૨થી ૭૨૫નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૫૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૧૪૮ની તેજી સાથે રૂ. ૭૦,૦૦૦ની સપાટી વટાવી ગયા હતા.

આજે ખાસ કરીને સોનામાં ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીનો અભાવ હતો તેમ જ રિટેલ સ્તરની માગ પાંખી રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨૨ વધીને રૂ. ૫૮,૮૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૨૫ વધીને રૂ. ૫૯,૧૨૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આ સિવાય આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૪૮વધીને રૂ. ૭૦,૮૭૯ના મથાળે રહ્યા હતા.ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર એક તબક્કે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ સાત મહિનાના સૌથી મોટા એક દિવસીય ૩.૪ ટકાના ઉછાળા સાથે ૧૯૩૪.૮૨ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ઊંચા મથાળેથી ૦.૯ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯૧૫.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકા ઘટીને ૧૯૨૭.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, પ્રવર્તમાન ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં યુદ્ધને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ રહેતાં ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button