નોન બાસમતી ચોખાની નિકાસ માટે અપેડા રજિસ્ટ્રેશનનો હેતુ શિપમેન્ટ નિયંત્રિત રાખવાનો | મુંબઈ સમાચાર
વેપાર

નોન બાસમતી ચોખાની નિકાસ માટે અપેડા રજિસ્ટ્રેશનનો હેતુ શિપમેન્ટ નિયંત્રિત રાખવાનો

કોલકાતા/નવી દિલ્હીઃ નોન બાસમતી ચોખાની નિકાસ પૂર્વે અપેડા (એગ્રીકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઑથૉરિટી)નું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનો સરકારનો નિર્ણય શિપમેન્ટો નિયંત્રણ હેઠળ રાખવાનો છે, પરંતુ તેને કારણે તાત્કાલિક ધોરણે થોડા અતિરિક્ત ખર્ચમાં વધારા સિવાય વેપાર પર કોઈ ખાસ અસર જોવા નહીં મળે એમ હિસ્સેધારકોએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય બાબત એ છે કે અપેડા દ્વારા ચોખા, ફળો, શાકભાજી, માંસ, ડેરી ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તે બજારો તથા માળખાકીય વિકાસ કરે છે. અપેડાનું આગોતરુ રજિસ્ટ્રેશન એ એક માત્ર વધારાની પ્રક્રિયા છે તેની નિકાસ પર કોઈ અસર નહીં થાય અને ખર્ચ પણ સાધારણ છે, પરંતુ સરકારને ફાયદો એ છે કે તે ભવિષ્યમાં બાસમતી ચોખાની જેમ નોન બાસમતી ચોખાનાં શિપમેન્ટનું નિયમન કરી શકશે અને નિકાસ પર બારીકાઈથી નજર પણ રાખી શકશે, એમ રાઈસવીલા ગ્રૂપનાં ચીફ એક્ઝિક્યુટીવ સુરજ અગરવાલે પીટીઆઈને જણાવ્યું હતું.

આ પણ વાંચો : બ્રાઝિલનો પૂરવઠો વધતા ગ્લોબલ શુગર માર્કેટમાં નરમાઇ, ભારત માટે ખાંડ નિકાસ ટાર્ગેટ પૂરો કરવાનું મુશ્કેલ

જોકે, ચોખાના નિકાસકારોના ફેડરેશન ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન (આઈઆરઈએફ)નાં રાષ્ટ્રીય પ્રમુખ પ્રેમ ગર્ગે નોન બાસમતી ચોખાનાં ફરજિયાત રજિસ્ટ્રેશનના સરકારનાં નિર્ણયને આવકારતા કહ્યું હતું કે આ નિર્ણયથી પારદર્શકતા વધશે અને નિકાસનીતિ બાસમતી ચોખાની નિકાસની સમકક્ષ થશે. નોન બાસમતી ચોખા એ ઐતિહાસિક સમયગાળાથી રાજકીય રીતે સંવેદનશીલ કૉમૉડિટી છે આથી અચાનક નિયંત્રણો મૂકવામાં આવતા હોય છે અને નીતિમાં ફેરફારો થતાં હોય છે તેને કારણે ભૂતકાળમાં ઘણી વખત વેપારો ખોરવાયા છે. ખાસ કરીને નિકાસકારોએ દરિયાપારનાં ખરીદદારો સાથે કોન્ટ્રાક્ટ કરી નાખ્યા હોવાથી તેઓને નુકસાની વહોરવી પડતી હોય છે, એમ સંગઠને જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે નોન બાસમતી ચોખાના નિકાસકારોએ કોન્ટ્રાક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. જોકે, નિકાસ પ્રક્રિયા અંતર્ગત બાસમતી ચોખાની જેમ ટનદીઠ રૂ. આઠ રાખવામાં આવી છે અને રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ ઓનલાઈન જારી કરવામાં આવશે.

આ પણ વાંચો : વર્ષ 2025ના પહેલા છ મહિનામાં ચાની નિકાસમાં સાધારણ વૃદ્ધિ

વધુમાં અન્ય એક મિલનાં ડિરેક્ટર રાહુલ ખેતાને જણાવ્યું હતું કે નિકાસની આંકડાકીય માહિતી સંકલિત કરવા માટે આ એક વધારાની પ્રક્રિયા છે. મારા મતે આ પગલાં થકી સરકાર અનાજનાં સ્ટોકનો વહીવટ કરી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં બાંગ્લાદેશની આયાતમાગ નિરસ છે અને ભારત સરકારે પણ આગામી તહેવારોની માગને ધ્યાનમાં લેતાં નિકાસ મંજૂરીની મુદત વધારીને 30 ઑક્ટોબર સુધીની કરી છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન દેશની ચોખાની નિકાસ 6.4 ટકા વધીને 4.7 અબજ ડૉલરની સપાટીએ રહી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button