કૃષિ ખાદ્ય, કૃષિ ટૅક સ્ટાર્ટઅપ્સ અને નિકાસ પ્રોત્સાહિત કરવા અપેડાના પગલાં

નવી દિલ્હીઃ વાણિજ્ય મંત્રાલય હેઠળની એગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઑથૉરિટી (અપેડા)એ કૃષિ ખાદ્ય અને કૃષિ ટૅક સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા અને સંશોધનો તથા યુવા ઉદ્યોગ સાહસિકો માટે નવી નિકાસ તકો ઊભી કરવાના આશયથી એક પહેલ શરૂ કરી છે.
અપેડાના ચેરમેન અભિષેક દેવે જણાવ્યું હતું કે અમે કૃષિ ક્ષેત્ર અને સ્ટાર્ટઅપ્સને સઘમ બનાવવા માટે ભારતી (બીએચએઆરએટીઆઈ) અર્થાત્ જેનો અર્થ ભારત હબ ફોર એગ્રિટેક, રિસાયલન્સ, એડવાન્સમેન્ટ ઍન્ડ ઈન્ક્યુબેશન ફોર એક્સપોર્ટ એનાબલમેન્ટ નામક કાર્યક્રમ તૈયાર કર્યો છે.
આ કાર્યક્રમ હેઠળ અમે ટોચના 10 સ્ટાર્ટઅપ્સને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર તેનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક આપશું, એમ દેવે અત્રે ગે્રટર કૈલાશ ખાતે યોજાયેલા ઈન્ડ્સફૂડ 2026 શૉ પશ્ચાત્ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે આ ત્રણ દિવસીય શૉનું આયોજન ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવ્યું છે.
વધુમાં કૃષિ નિકાસ અંગે દેવે જણાવ્યું હતું કે હાલમાં વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતાનું વલણ રહ્યું હોવા છતાં દેશની કૃષિ નિકાસે સ્વસ્થ વૃદ્ધિદર દર્શાવ્યો છે. આ વર્ષમાં પણ કૃષિ નિકાસ વૃદ્ધિ સારી રહેવાનો આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી નવેમ્બર દરમિયાન અપેડાના પ્રોત્સાહનને ટેકે કૃષિ નિકાસ સાત ટકાના દરે વધીને 18.6 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
જોકે, આગલા નાણાકીય વર્ષ 2024-25માં 28.5 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષની નિકાસનો અંદાજ 30 અબજ ડૉલરનો મૂકવામાં આવ્યો હોવાનું દેવે ઉમેર્યું હતું.
ટ્રેડ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન મોહિત સિંગ્લાએ જણાવ્યું હતું કે આ ત્રણ દિવસીય ફૂડ અને બિવરેજ શૉમાં 120 કરતાં વધુ દેશો સહભાગી થયા છે.



