ફેડરલની બેઠક પૂર્વે સોનામાં રૂ. 53નો સુધારો અને ચાંદીમાં રૂ. 54નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક બજારના નિરુત્સાહી અહેવાલો છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને સોનામા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધી આવતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 53નો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. 54 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 54 ઘટીને રૂ. 74,156ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયો નબળો પડતાં આયાત પડતર વધવાને કારણે હાજરમાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 53ના સાધારણ સુધારા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 65,350 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 65,612ના મથાળે રહ્યા હતા. એકંદરે આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત હોળાષ્ટકને કારણે રિટેલ સ્તરની માગ પણ સુસ્ત રહી હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
આવતીકાલથી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકનો આરંભ થવાનો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 2148.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.5 ટકા ઘટીને 2151.05 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના વાયદામાં પણ ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 25.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ બે દિવસીય બેઠકના અંતે વ્યાજદર તો યથાવત્ રાખે તેવી શક્યતા છે, પરંતુ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ આગામી જૂનથી વ્યાજદરમાં કપાતની શરૂઆતના સંકેત આપવાની સાથે વ્યાજદરમાં કપાતની ગતિ મંદ પાડવા અંગે કોઈ અણસાર આપે છે કે નહીં તેના પર બજાર વર્તુળો મીટ માંડીને બેઠા છે. વધુમાં રોકાણકારોની નજર આગામી ગુરુવારની બૅન્ક ઑફ ઈંગ્લેન્ડની નીતિવિષયક બેઠક પર છે. જોકે આ બેઠકના અંતે વ્યાજદર 5.25 ટકાની સપાટીએ જાળવી રાખે તેવી શક્યતા છે, જ્યારે સ્વિસ નેશનલ બૅન્ક વ્યાજદર ઘટાડે તેવી શક્યતા અમુક બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.