વેપાર

એડીબીએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપીનો અંદાજ વધારીને 7.2 ટકા કર્યો…

નવી દિલ્હીઃ તાજેતરમાં ભારત સરકારે વેરાના દરમાં કાપ મૂક્યો હોવાથી પ્રબળ સ્થાનિક વપરાશી માગને ધ્યાનમાં લેતા એશિયન ડેવલોપમેન્ટ બૅન્ક (એડીબી)એ વર્તમાન નાણાકીય વર્ષ 2026 માટેના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.5 ટકા મૂક્યો હતો તે તીવ્રપણે વધારીને 7.2 ટકા મૂકયો છે.

વધુમાં ભારતીય અર્થતંત્રના જીડીપીના અંદાજમાં 0.7 ટકાનો વધારો કરવામાં આવતા એડીબીએ વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2025 માટે એશિયાના જીડીપીનો અંદાજ જે અગાઉ 4.8 ટકા મૂક્યો હતો તે વધારીને 5.1 ટકાનો મૂક્યો છે.એશિયન ડેવલોપમેન્ટ બૅન્કના વર્ષ 2025 માટેનાં એશિયન ડેવલોપમેન્ટ આઉટલૂકમાં જણાવ્યું હતું કે ભારતમાં વર્ષ નાણાકીય 2026નાં બીજા ત્રિમાસિકગાળામાં વેરા કપાતને કારણે મજબૂત વપરાશી માગને ટેકે ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો અંદાજ વધારીને 7.2 ટકા કરવામાં આવ્યો છે.

નોંધનીય બાબત એ છે કે સપ્ટેમ્બર અંતના બીજા ત્રિમાસિકગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિદર છ ત્રિમાસિકગાળાની સર્વોચ્ચ 8.2 ટકાની સપાટીએ રહ્યો હતો, પરિણામે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસિકગાળામાં જ ભારતે આઠ ટકાનો વૃદ્ધિદર હાંસલ કરી લીધો છે.

મનિલાસ્થિત બહુરાષ્ટ્રીય ડેવલોપમેન્ટ બૅન્કના જણાવ્યાનુસાર માગ, પુરવઠો, વપરાશ, ઉત્પાદન અને સર્વિસીસ ક્ષેત્રે થઈ રહેલા મજબૂત વિસ્તરણો આર્થિક વૃદ્ધિને પ્રબળ ટેકો આપી રહ્યા છે. જોકે, બૅન્કે આગામી નાણાકીય વર્ષ 2027 માટેના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 6.5 ટકાની સપાટીએ જાળવી રાખ્યો છે.

વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિકગાળામાં જોવા મળેલી મજબૂત વૃદ્ધિ અને વેરા કપાતને કારણે સ્થાનિક વપરાશી માગ અપેક્ષિત મજબૂતીને ધ્યાનમાં લેતા વર્તમાન નાણાકીય વર્ષ માટેના ભારતનાં આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 0.7 ટકા વધારીને 7.2 ટકા કરવામાં આવ્યો હોવાનું આઉટલૂકમાં ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય બાબત એ છે કે સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકગાળાના આકર્ષક જીડીપીને ધ્યાનમાં લેતા મહિનાના આરંભે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ માટેના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.8 ટકા મૂક્યો હતો તે વધારીને 7.2 ટકા મૂક્યો હતો. જોકે, રિઝર્વ બૅન્કે ત્રીજા અને ચોથા ત્રિમાસિકગાળામાં અનુક્રમે સાત ટકા અને 6.5 ટકા રહેતાં આગામી બીજા છમાસિકગાળાના જીડીપીનો અંદાજ ધીમો પડીને 7.3 ટકા આસપાસ રહેવાની ધારણા મૂકી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button