વેપારશેર બજાર

એક્સેન્ચરના ગાઈડન્સે અમેરિકન કરંટનું ફયૂઝ ઉડાવી દીધું

મુંબઈ: અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ત્રણ તબક્કે કાપ મૂકવાના સંકેત જાહેર કર્યા હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી બજાર સાથે સ્થાનિક સ્તરે પણ સુધારો જોવા મળ્યો હતો અને એકંદર બજારને ટેકો મળ્યો હતો, પરંતુ અમેરિકાની જ ટેકનોલોજી જાયન્ટ એક્સેન્ચરે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે તેની આવકની આગાહીમાં ઘટાડો જાહેર કર્યો હોવાના અહેવાલો વચ્ચે શુક્રવારે પ્રારંભિક તબક્કાથી જ આઇટી શેરોમાં ધોવાણ શરૂ થઇ ગયું અને તેને પરિણામે ભારતીય બેન્ચમાર્ક શેરઆંકોનો સુધારો ધોવાઇ ગયો હતો.

યુએસ-લિસ્ટેડ એક્સેન્ચરે નબળા અનુમાન જાહેર કર્યા પછી ઇન્ફોસિસ અને વિપ્રો એડીઆર (અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ)ના શેરમાં ઘટાડો થયો હતો.

આપણ વાંચો: સેન્સેક્સ ભારે ઊથલપાથલ વચ્ચે પસાર થતો 73,000 પાર કરીને પાછો ફર્યો

સેન્સેક્સ એક તબક્કે ૭૩,૦૦૦ની સપાટી પાર કરી ગયો હોવા છતાં ઊંચી સપાટી સામે લગભગ ૯૫૦ પોઇન્ટ ગબડ્યો હતો અને અંતે માત્ર ૧૯૦ પોઇન્ટ જેવા સુધારા સાથે બંધ રહ્યો હતો. પ્રારંભિક સત્રમાં જ બીએસઇ પર એચસીએલ ટેક્નોલોજીસના શેરમાં ૫.૬૨ ટકા, વિપ્રોમાં ૪.૨૪ ટકા,એલટીઆઇમાઇન્ડટ્રીમાં ૪.૧૭ ટકા અને એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિસના શેરમાં ૪.૧૩ ટકાનો કડાકો જોવા મળ્યો હતો.

ઇન્ફોસિસના સ્ટોકમાં આ તબક્કે ૩.૭૦ ટકા, ટેક મહિન્દ્રાના શેરમાં ૩.૫૭ ટકા અને ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસના સ્ટોકમાં ૨.૯૭ ટકાનો કડાકો નોંધાયો હતો. બીએસઇ આઇટી ઇન્ડેક્સ ૧.૬૩ ટકા નીચો ક્વોટ થયો હતો. સત્રને અંતે આ ઇન્ડેક્સ બે ટકા અથવા તો ૭૨૯.૬૧ પોઇન્ટના કડાકા સાથે ૩૬,૫૫૪.૩૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

આપણ વાંચો: બાર્ગેન હંટીંગ: સેન્સેક્સ, નિફ્ટી રિબાઉન્ડ તરીકે રિલાયન્સ, આઈટીસીના શૅરમાં તેજી

બેન્ચમાર્ક ઇક્વિટીની બે દિવસની તેજીને આઇટી શેરોના ધોવાણને કારણે સહેજ બ્રેક લાગી હતી અને સુધારો ધોવાયો હતો. આઇટી શેરોના ધોવાણ સાથે પ્રારંભિક સત્ર દરમિયાન બીએસઇનો ત્રીસ શેરવાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૧૩.૩૬ પોઈન્ટ ઘટીને ૭૨,૨૨૭.૮૩ પોઇન્ટના સ્તર પર અને એનએસઇનો નિફ્ટી ૮૬.૮ પોઈન્ટ ઘટીને ૨૧,૯૨૫.૧૫ પર પહોંચ્યો હતો.

ટોચના બ્રોકિંગ હાઉસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટે જણાવ્યું હતું કે, એક્સેન્ચરના નબળા માર્ગદર્શનને જોતાં આઇટી દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. અહેવાલો મુજબ, વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા અને ક્ધસલ્ટિંગ સેવાઓ પર ગ્રાહકોના નબળા ખર્ચને કારણે એક્સેન્ચરે નાણાકીય વર્ષ ૨૦૨૪ માટે તેની આવકની આગાહીમાં ઘટાડો કર્યો હતો. તે હવે સંપૂર્ણ વર્ષની આવક વૃદ્ધિ એકથી ત્રણ ટકાની વચ્ચે રહેવાનું અનુમાન ધરાવે છે, જે અગાઉના બેથી પાંચ ટકાના અંદાજથી નીચે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button