ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
જોકે, આજે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગ એકંદરે નિરસ રહી હોવાથી સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૯૦થી ૩૬૪૦માં થયાના અહેવાલ હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની તેમ જ રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. તેમ જ હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૨૬થી ૩૮૦૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૮૩૬થી ૩૯૬૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૬૦થી ૩૭૦૦માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૬૦થી ૩૮૦૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.