વેપાર

વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં આગળ ધપતી તેજી

મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં ગઈકાલે અનુક્રમે ૧૫૦ અને ૧૪૪ સેન્ટનો ઉછાળો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ ઉપરાંત આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે બાવન રિંગિટ, ૫૬ રિંગિટ અને ૫૬ રિંગિટ વધી આવ્યા હોવાથી સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં તેજી આગળ ધપી હતી. જેમાં ૧૦ કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. ૧૫, સન રિફાઈન્ડમાં રૂ. ૧૦ અને સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચ વઘી આવ્યા હતાં.

વધુમાં આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં સ્થાનિક તથા દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના ભાવ ૧૫ કિલોદીઠ રૂ. ૪૦ વધીને રૂ. ૨૩૯૦ અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૫ વધીને રૂ. ૧૫૦૦ની સપાટીએ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૨૦નો ચમકારો આવ્યો હતો. તાજેતરમાં ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત તા. ૧થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ આગલા ઑગસ્ટ મહિનાના સમાનગાળાના ૧૦,૫૫,૭૬૮ ટન સામે ૧૩.૦૪ ટકા વધીને ૧૧,૯૩,૪૭૧ ટનના સ્તરે રહી છે, જેમાં ભારત ખાતેની નિકાસ વધીને ૨,૨૮,૫૭૦ ટન (૨,૨૦,૬૯૨ ટન)ની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં ગોલ્ડન એગ્રી અને રૂચીના રૂ. ૧૨૫૦, અલાનાના રૂ. ૧૨૪૫ અને રિલાયન્સ રિટેલના રૂ. ૧૨૭૪ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે વેપાર અત્યંત પાંખાં રહ્યાં હતાં. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૧૨૫૦, સોયા રિફાઈન્ડના રૂ. ૧૨૮૦, સન રિફાઈન્ડના રૂ. ૧૨૬૦, સિંગતેલના રૂ. ૧૫૪૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૨૯૦ અને સરસવના રૂ. ૧૪૧૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાબીનના જૂના માલની ૭૦,૦૦૦ ગૂણી અને નવાં માલની ૩૦,૦૦૦ ગૂણીની આવક હતા. તેમ જ આજે રાજસ્થાનનાં મથકો પર ૧.૫૦ લાખ ગૂણી સરસવની આવક સામે જયપુરની મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૬૯૨૫થી ૬૯૪૦માં, સરસવ એક્સપેલરના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૨૫માં, કચ્ચી ઘાણીના રૂ. ૧૪૩૫માં અને સરસવ ખોળના ક્વિન્ટલે રૂ. ૨૬૨૦થી ૨૬૨૫માં થયાના અહેવાલ હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button