પહેલા છ મહિનામાં એનટીપીસીના કોલસાના ઉત્પાદનમાં 83 ટકાનો વધારો
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ માસિકગાળામાં અર્થાત્ ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના કોલસાના ઉત્પાદનમાં વર્ષાનુવર્ષ ધોરણે 83 ટકાની વૃદ્ધિ થઈ છે.
નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિનામાં એનટીપીસીએ કોલસાના ઉત્પાદનમાં આકર્ષક વૃદ્ધિ દાખવી છે અને ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 87.6 લાખ ટન સામે 83 ટકા વધીને 1.605 કરોડ ટનની સપાટીએ રહ્યું હોવાનું કંપનીએ એક યાદીમાં જણાવ્યું છે.
વધુમાં આ સમયગાળામાં કંપનીની કોલસાની રવાનગી પણ ગત સાલના સમાનગાળાની તુલનામાં 94 ટકા વધીને 1.720 કરોડ ટનની સપાટીએ રહી હોવાનું યાદીમાં જણાવતાં ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં કાર્યરત હોય તેવી ઝારખંડની પાકરી બરવાદિહ અને ચટ્ટ બારિયાટુ કોલ માઈન્સ, ઓરિસ્સાની દુલંગા કૉલ માઈન અને છત્તીસગઢની તલાઈપલ્લી એમ ચાર કેપ્ટિવ કૉલ માઈન્સમાં 8.5 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થયું છે.