વેપાર

ડૉલર સામે રૂપિયામાં વધુ ૧૦ પૈસાની તેજી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ, વિશ્ર્વ બજારમાં ખાસ કરીને એશિયન ચલણો સામે ડૉલરમાં જોવા મળેલી નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત સાતમા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જળવાઈ રહ્યો હતો અને વધુ ૧૦ પૈસા મજબૂત થઈને ૮૩.૫૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

ગત બુધવારે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હોવાથી રોકાણકારો ઉભરતી બજારનાં ચલણો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા હોવાથી રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવતા ઉમેર્યું હતું કે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૫૪૭.૫૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.

દરમિયાન આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૬૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૬૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ખૂલતી જ ૮૩.૬૩ની સપાટીએને ઉપરમાં ૮૩.૪૮ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૧૦ પૈસાના સુધારા સાથે ૮૩.૫૫ના મથાળે બંધ રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત પાંચમી ઑગસ્ટના રોજ ડૉલર સામે રૂપિયો ૮૪.૦૯ના મથાળે બંધ રહ્યો હતો અને ગત ૧૧મી સપ્ટેમ્બરે રૂપિયો ૮૩.૯૯ના મથાળે બંધ રહ્યા બાદ ૧૨ સપ્ટેમ્બરથી અત્યાર સુધીના સાત સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ૪૪ પૈસાનો સુધારો જોવા મળ્યો છે.

તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટનાં સુધારા અને સતત બીજા સત્રમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં આજે રૂપિયો બે મહિનાની ઊંચી સપાટી આસપાસ બંધ રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે આગામી દિવસોમાં પણ રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ૮૩.૩૫થી ૮૩.૭૦ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button