વિશ્ર્વ બજાર પાછળ આયાતી તેલમાં ઝડપી તેજી, વેપાર છૂટાછવાયા
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૬૫ સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ નિર્દેશ તેમ જ આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં પણ ૯૦ પૉઈન્ટનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૯૫ રિંગિટની તેજી આવતા સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં ઝડપી તેજીનો પવન ફૂંકાઈ ગયો હતો, જેમાં ૧૦ કિલોદીઠ ક્રૂડ પામતેલ અને સોયા ડિગમમાં રૂ. ૧૫, આરબીડી પામોલિન, સોયા રિફાઈન્ડ અને સન ક્રૂડમાં રૂ. ૧૦નો અને સન રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે નિરસ માગે દેશી તેલમાં સિંગતેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો અને અન્યમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં સેલરિસેલ અને ડાયરેક્ટ ડિલિવરી શરતે અંદાજે ૫૦૦થી ૬૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર અનુક્રમે ૧૦ કિલોદીઠ રૂ. ૮૧૮ અને રૂ. ૮૨૦ના મથાળે થયા હતા. જોકે, સત્રના અંતે ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં એએનએના રૂ. ૮૨૫, અલાના, ગોલ્ડન એગ્રી અને રિલાયન્સ રિટેલના રૂ. ૮૨૦, ગોલ્ડન એગ્રીના રૂ. ૮૩૦ અને રૂચીના આરબીડી પામોલિનના રૂ. ૮૨૫થી ૮૨૭ , સોયા રિફાઈન્ડના રૂ. ૮૮૫ અને સન રિફાઈન્ડના રૂ. ૮૯૦ ક્વૉટ થઈ રહ્યા હતા. આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૮૨૦, ક્રૂડ પામતેલના રૂ. ૭૮૦, સોયા રિફાઈન્ડના રૂ. ૮૮૦, સોયા ડિગમના રૂ. ૮૪૦, સન રિફાઈન્ડના રૂ. ૮૭૫, સન ક્રૂડના રૂ. ૮૦૫, સિંગતેલના રૂ. ૧૫૫૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૮૭૫ અને સરસવના રૂ. ૧૦૦૦ના મથાળે રહ્યા હતા, જ્યારે ગુજરાતના મથકો પર આજે સિંગતેલના વેપાર ૧૦ કિલોદીઠ રૂ. ૧૪૭૫થી ૧૫૦૦માં અને વૉશ્ડ કૉટનના રૂ. ૮૦૦થી ૮૦૫માં થયા હતા.