રૂપિયાની નબળાઈ અને વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 290ની તેજી, ચાંદી રૂ. 169 વધી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાના આગામી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર નીતિની અનિશ્ચિતતા વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જોકે, ફેડરલ રિઝર્વનાં વ્યાજદર પર જેનો આધાર હોય તેવા અમેરિકાનાં આજે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીના અભિગમને કારણે સુધારો મર્યાદિત રહ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો સાત પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 289થી 290ની તેજી આગળ ધપી હતી, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીના અભાવને કારણે ભાવમાં કિલોદીઠ રૂ. 169નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી અને વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. 169ના સુધારા સાથે રૂ. 89,969ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરો વધી આવતા 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 289 વધીને રૂ. 77,596 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 290 વધીને રૂ. 77,908ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હતી.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિની અનિશ્ચિતતા વચ્ચે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને 2675.49 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. વધુમાં આજે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને 2698.30 ડૉલર આસપાસ અને હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા વધીને આૈંસદીઠ 30.2 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના વાયદામાં ભાવ એક મહિનાની ઊંચી આૈંસદીઠ 31.17 ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત થવાની હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો.
આજે મોડી સાંજે અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત થનાર છે અને રૉઈટર્સનાં સર્વેક્ષણ અનુસાર ગત નવેમ્બર મહિનામાં નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં 2,27,000નો ઉમેરો થયા બાદ ડિસેમ્બરમાં 1,60,000નો ઉમેરો થવાની ધારણા મૂકવામાં આવી છે. જો પૅ રૉલ ડેટામાં અપેક્ષા કરતાં વૃદ્ધિ જોવા મળશે તો સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળે તેવી શક્યતા રિલાયન્સ સિક્યોરિટીઝનાં વિશ્લેષક જીગર ત્રિવેદીએ વ્યક્ત કરી હતી.
ગઈકાલે કાન્સાસ સિટી ફેડનાં પ્રમુખ જેફ સ્કિમ્ડે આગામી સમયગાળામાં અમેરિકામાં ફુગાવો બે ટકાની ઉપર અને અર્થતંત્રમાં મક્કમ વલણ રહે તેવી શક્યતા ઉપરાંત વેપાર નીતિમાં થનારા બદલાવને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વે વધતા ફુગાવા સામે ઝિંક ઝીલવી પડે તેમ હોવાથી રેટ કટની શક્યતા બહુ પાતળી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આગામી કપાત મે અથવા જૂન મહિનામાં કરે તેવી ધારણા ટ્રેડરો મૂકી રહ્યા છે.
આ પણ વાંચો…સોનાના ભાવમાં ઉછાળો, ફટાફટ ચેક કરો આજનો ભાવ
ભવિષ્યમાં અમેરિકી વહીવટીતંત્રની વેપાર નીતિ રાષ્ટ્રીય સલામતીલક્ષી રહે તેમ હોવાથી વર્ષ 2025નાં ઉત્તરાર્ધમાં સોના પાછળ ચાંદીમાં ભાવ સુધારાતરફી રહેતાં વર્ષાન્ત આસપાસ ચાંદીના ભાવ આૈંસદીઠ 35 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા ડૉઈશ બૅન્કે વ્યક્ત કરી છે.