વેપાર

ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની બેઠકમાં હળવું વલણ અપનાવે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા વધીને ૮૩.૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૦૫.૪૯ કરોડની ચોખ્ખી વેચવાલી અને ઈઝરાયલ-હમાસ વચ્ચેનાં વિવાદને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૫ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૪ અને ઉપરમાં ૮૩.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૨૦ના મથાળે બંધ રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૯ ટકા ઘટીને ૧૦૫.૭૩ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૬૫ ટકા ઘટીને બેરલદીઠ ૮૭.૦૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૯૩.૬૯ પૉઈન્ટનો અને ૧૨૧.૫૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button