પુરુષ

પુરુષોત્તમની પરાક્રમી પરિક્રમા

આ પરિક્રમા માછીમારોના કલ્યાણ માટે ફળદાયી હતી, પરંતુ રૂપાલાજી અને સવિતાબેન રૂપાલા માટે રોચક અને ભયાનક પણ રહી. બે વાર તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યાં.

કવર સ્ટોરી -ભરત પંડ્યા

તટરેખા કે રખવારે હમ,
તુફાનો સે ના હારે હમ,
સંતાન સિંધુ કી મચ્છુઆરે હમ,
આપણી ભારતીય સંસ્કૃતિમાં ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાઓમાં તીર્થક્ષેત્રની પરિક્રમા કરવાનો અનોખો મહિમા છે.

જાહેરજીવનમાં રહીને વિશ્ર્વમાં સૌથી વધુ રાજકીય-સામાજિક-રાષ્ટ્રીય જનજાગૃતિ માટે યાત્રા-પરિક્રમાના સંયોજક-પ્રેરક કે નેતૃત્વ કર્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદી છે. તેમણે કૈલાસ માનસરોવરથી લઈને, ન્યાય યાત્રા, સોમનાથ-અયોધ્યા યાત્રા, એકતા યાત્રા, ગુજરાત ગૌરવ યાત્રા, વિરાંજલી યાત્રા, ક્ધયા કેળવણી યાત્રા, કૃષિ યાત્રા, સ્વર્ણિમ ગુજરાત યાત્રા, વંચિતોની વિકાસ યાત્રા, સ્વામિ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાથી લઈને છેલ્લે હમણાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુધી અનેક યાત્રાઓમાં તેમનો વિચાર અને અથાક પરિશ્રમ રહ્યો છે. આ તો, થોડાંક જ નામોની યાદી છે.

મોદી સરકારે પ્રથમવાર માછીમાર લોકો માટે અલગથી મત્સ્ય વિભાગ બનાવીને માછીમારોને ‘સાગરખેડૂ’ નામ-સન્માન સાથે કેટલીક યોજનાઓ આપવામાં આવી. મત્સ્ય વિભાગની અલગ રચના પછી તેની જવાબદારી ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી તરીકે પરષોત્તમભાઈ રૂપાલાને સોંપવામાં આવી.

ભાજપ સંગઠન અને સરકારમાં કુલ ૩૬ વર્ષનો રાજકીય કારર્કિદીનો બહોળો અનુભવ ધરાવતાં રૂપાલાએ સંગઠનમાં પદયાત્રા કરવાની હોય કે ટિફિન બેઠક શરૂ કરવાની હોય. દલિતના ઘરે ચા-પાણી કે ભોજન કરવાનું હોય, સરકારમાં ખેડૂત વિમાથી લઈને પાક વિમામાં યોગદાન આપવાનું હોય કે લોકસાહિત્યમાં ‘મોજે દરિયા’ રહેવાનું હોય. તેમણે જે તે જવાબદારીમાં કંઈક અનોખું કરવાનો સતત પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે નર્મદા પરિક્રમા, ચારધામ, વૃંદાવન, પાલીતાણા કે ગિરનારની લીલી પરિક્રમા લોકોએ સાંભળી કે કરી હશે. મત્સ્ય વિભાગના મંત્રી બન્યાં પછી પરષોત્તમભાઈ રૂપાલાએ દેશના દરિયાઈ કિનારે રહેતા માછીમારોને રૂબરૂ મળવા-જાણવા અને મદદ કરવા માટેની નૈતિક જવાબદારી સમજીને દરિયાઈ માર્ગે ‘સાગર પરિક્રમા’નો નવો વિચાર પ્રથમવાર અમલમાં મૂકયો.

જે સાગરમાંથી અનેક સંપદા મળે છે. દેશની સુરક્ષા સાથે માછીમારોને આજીવિકા આપે છે. તે સાગરની પૂજા-વંદન સાથે કૃતજ્ઞતા વ્યકત કરવી એટલે ‘સાગર પરિક્રમા’.
દરિયાદેવના કિનારે કિનારે પ્રદક્ષિણા દ્વારા માછીમારોની સમસ્યાઓને રૂબરૂ જઈને, સાંભળીને સમજવાનો પ્રયાસ એટલે ‘સાગર પરિક્રમા’.
માછીમારો-સાગરખેડૂ સાથે સંપર્ક-સંવાદ અને સમન્વય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના મત્સ્ય વિભાગની યોજનાઓની જનજાગૃતિ અને લાભ અપાવવાનો વ્યાપક પ્રયાસ એટલે સાગર પરિક્રમા’.

રૂપાલાએ સાગર પરિક્રમાનો શુભારંભ તા. ૦૫.૦૩.૨૦૨૨ના રોજ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માના સ્મારકથી શરૂ કરીને ઓખા, દ્વારકાધીશના દર્શન કરીને પોરબંદરમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ – કિર્તીમંદિરમાં વંદના કરીને ‘ક્રાંતિથી શાંતિ’ના પ્રથમ તબક્કા પછી સતત ૧૨ તબક્કામાં નવ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત રાજ્યો પસાર કરીને કુલ ૮૧૧૮ કિ.મી. દરિયાઈ પટ્ટીની ‘સાગર પરિક્રમા’ કરીને તા.૧૧, જાન્યુઆરી ૨૦૨૪માં ઓરિસ્સાના જગન્નાથપૂરીના દર્શન સાથે વેસ્ટ બંગાળના ગંગા સાગરમાં પૂર્ણ કરી હતી.

હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળીની ખાડી આ ત્રણેય સમુદ્ર ભારતની ફરતે U આકારે આવેલા છે. દરિયાઈ માર્ગે ભારતની પરિક્રમા કરવા માટે ગુજરાત, દમણ-દિવ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, આંદામાન અને નિકોબાર, કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, ઓડિશા, પશ્ર્ચિમ બંગાળ આમ, કુલ નવ રાજ્યો અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી પસાર થવું પડયું હતું.

ભારતની બ્લ્યુ ઈકોનોમિ ૧૩ રાજ્યો સહિત બે ટાપુ, ૧૨ મોટા અને ૨૦૦ બંદરો દ્વારા દેશના ૯૫ ટકા વ્યવસાયને પરિવહન માટે ટેકો આપે છે. માછીમારો અને તેમની સાથે સંકળાયેલા છ કરોડ લોકોને પરોક્ષ રીતે આજીવિકા પૂરી પાડે છે. ભારત વિશ્ર્વનો ત્રીજો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદક એટલે જળકૃષિ દેશ છે અને સૌથી મોટા એકવાકલ્ચર ફિશ ઉત્પાદક તરીકે બીજા નંબરે છે. સૌથી મોટો ઝીંગા ઉત્પાદક અને વિશ્ર્વમાં ચોથો સૌથી મોટો સીકૂડ નિકાસકાર છે. તેમ જ દેશનું માછલી કુલ ઉત્પાદન ૧૬૨.૪૮ લાખ ટન છે. નિકાસનું મૂલ્ય ૫૭,૫૮૭ કરોડ રૂ. હતું. કૃષિ નિકાસમાં ૧૭ ટકા યોગદાન સાથે કૃષિ જીડીપીમાં ૬.૭૨ ટકો હિસ્સો ધરાવે છે. દેશની જી.ડી.પી.માં ચાર ટકા યોગદાન આપે છે. આ પ્રકારની નીલી અર્થક્રાંતિ ધરાવનાર વ્યવસાયને સંલગ્ન માછીમાર સમાજને અગાઉની સરકારમાં નજર અંદાજ કરવામાં આવતો હતો.

રૂપાલાની સાગર પરિક્રમાના ઈતિહાસના પ્રથમ પ્રયોગે લાખો માછીમારોને પ્રત્યક્ષ હોંકારો, હૂંફ અને યોજનાઓનો સધિયારો આપ્યો હતો તથા માછીમારોના પડકારોને જોઈ-જાણી અને અનુભવીને તેમના જીવનમાં આર્થિક ગુણવત્તા સુધાર માટેનું એક વિરાટ પગલું ભર્યુ હતું. આ પરિક્રમામાં કુલ ૧૧૪ જેટલા મોટા સંમેલન-સભાઓ, ૩૦૦ થી વધુ મીટિંગ, વિવિધ સ્થાન પર કરીને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, સાગર ખેડૂત યોજના વિવિધ સાધન સહાય યોજના તથા માછીમારોને મદદરૂપ થતાં ઈન્ફ્રાસ્ટ્રચરને મજબૂત બનાવવાનું કામ કર્યું હતું. આ ઉપરાંત માછીમાર સમાજના વિવિધ પંચો, સંસ્થાઓ અને માછીમાર ભાઈ-બહેનોના વ્યક્તિગત સંવાદો દ્વારા તેમની મુશ્કેલીઓ અને માગણીઓની માહિતી મેળવવામાં આવી. ધાર્મિક સ્થાનો અને શહીદ સ્મારકના પર પૂજા-વંદના કરવામાં આવી હતી. મત્સ્ય બજાર, માછીમાર વસાહત, સંશોધન કેન્દ્રો, કોલ્ડ સ્ટોરેજ, મત્સ્ય ઉછેર કેન્દ્ર અને બંદરોની મુલાકાત લેવામાં આવી. માછીમારોનું સાહસ, રહેણીકરણી, જીવનશૈલી, બોલી, વેશભૂષા-ખાનપાન, દેવી-દેવતાઓની પરંપરા, માછીમાર અને દરિયાઈ સંસ્કૃતિ સફરના સુખ-દુ:ખના ગીતો, ઓછી સુવિધાઓમાં પણ શરીરમાં તરવરાટ અને પ્રસન્ન ચહેરાઓ જોઈને માન ઊપજે તેવા સંભારણા સાથેની આ પરિક્રમા ઈતિહાસમાં યાદગાર બની રહેશે.

‘સાગર પરિક્રમા’માં દરિયાની અંદરનો કરંટ, ઊછળતા વિરાટ મોજાઓ, દૂર જોજનો સુધી જળસૃષ્ટિ, દરિયાઈ તોફાનોમાં મોતની થપાટો, અદ્ભુત રંગબેરંગી માછલીઓનો તરવરાટ, ઊગતો-આથમતો અને પાણીમાં ડૂબતો સૂર્ય, ચંદ્રની શીતળતા સાથે આકાશમાં રહેલી દિવ્ય-ભવ્ય શાંતિનું તારા મંડળ, નાની હોડીથી માંડીને ઓવરક્રાફટ, કોસ્ટગાર્ડ શિપ સુધીની સફર જીવનમાં વિસ્મરણીય રહેશે.
જાહેરજીવનમાં કે ધાર્મિક ઉત્સવોમાં કોઈના સ્વાગત માટે સાઈકલ, સ્કૂટર-બાઈક, કાર રેલીના દૃશ્યો આપણે જોયાં છે, પરંતુ દરિયાઈ માર્ગે આવતાં મહેમાનનું સ્વાગત માટે બોટ/હોડીઓની રેલી દ્વારા સ્વાગત થતું હોય તે પહેલીવાર જોયું છે.

આ પરિક્રમામાં નેવીના કોસ્ટગાર્ડ શીપે ખૂબ જ સહકાર આપ્યો. ‘સાર્થક’ નામના કોસ્ટગાર્ડ શીપમાં Spirited, Steadfast, Sublime (ઉત્સાહિત, અડગ અને ઉત્કૃષ્ટ) લખેલ શબ્દો દરિયાઈ સીમા-સુરક્ષા અને દુશ્મન દેશની સામે સતત જાગૃત રહીને સામનો કરતાં કમાન્ડર અને સૈનિકોની નિષ્ઠા અને પરિશ્રમને ઉજાગર કરતાં હતાં.

આ પરિક્રમા માછીમારોના કલ્યાણ માટે ફળદાયી હતી, પરંતુ રૂપાલાજી અને સવિતાબેન રૂપાલા માટે રોચક અને ભયાનક પણ રહી. બે વાર તેઓ મોતના મુખમાંથી પાછા આવ્યાં. માંગરોળથી પીપાવાવ બોટમાં જતી વખતે – મધદરિયે મોટી બોટમાંથી કિનારે જવા નાની બોટમાં સીફટ થવાનું હતું. આ સિફટિંગ સમયે દરિયાઈ કરંટ દ્વારા ઘુઘવતા મોજાઓ અને પાણીના ફોર્સને કારણે બે બોટ સ્થિર રહી શકતી ન હતી. તેવા સમયે મોટી બોટમાંથી નાની બોટની નીચે ઉતારતા સમયે બોટનો હૂક ભયંકર ધડાકા સાથે તૂટી ગયો અને બોટ આંચકા સાથે એકબાજુથી લટકતી રહી. આ દૃશ્યોને જોઈને બધાંનો જીવ તાળવે ચોંટી ગયો હતો, પરંતુ હંમેશાં લોકોને મળતી વખતે કે પ્રવચનની શરૂઆતમાં રામ-રામ બોલતાં રૂપાલા રામ-કૃપાથી બચી ગયાં હતાં. આવી ઘટના બે વાર બની હતી.

બીજી ઘટના એ હતી કે, ઓરિસ્સામાં ચિલ્કા ઝીલમાં રાત્રિના અંધકારમાં ‘સાગર પરિક્રમા’ના કાર્યક્રમમાં જવા નાની બોટમાં જઈ રહ્યાં હતાં ત્યારે ઝીલમાં માછલી પકડવાની જાળ બોટમાં વારંવાર ફસાઈ જવાથી મુશ્કેલીમાં મૂકાયા. બોટમાં શ્રી રૂપાલા, તેમના ધર્મપત્ની સવિતાબેન, સંબિત પાત્રા અને નાવિક એમ માત્ર ચાર વ્યક્તિઓ બોટમાં હતાં. આ ઉપરાંત બોટની દિશા તેમ જ કિનારે જવાનું લોકેશન ન મળવાથી ચિલ્કા ઝીલમાં બે કલાક સુધી ગુમ થઈ ગયાં હતાં. અંતે એક માછીમારની બોટ સામે મળતાં તેમને કિનારા સુધી લઈ આવ્યાં હતાં. આમ માંડમાંડ જાનના જોખમે કિનારે પહોંચ્યાં હતાં.

દરિયાદેવને પૂજનારો, મોતને મુઠ્ઠીમાં રાખીને સાગરના ઘુઘવતા તોફાન સામે લડનારો, પડકારોને ઝીલનારો અને પરિશ્રમ કરનારા માછીમાર ભાઈ-બહેનોને વંદન. રૂપાલાને ઐતિહાસિક ‘સાગર પરિક્રમા’ માટે અભિનંદન.


ભરત પંડયા
(લેખક: પૂર્વ પ્રદેશ પ્રવકતા, ભાજપ અને પૂર્વ ધારાસભ્ય)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આવી લકઝરી લાઈફ જીવે છે TMKOCની બબીતાજી Nora Fatehiનો એથનિક લૂક જોયો? એક લગ્નમાં હાજરીના Orry કેટલા લે છે? આરસીબીની શાનદાર જીત પછી થઈ ઇનામોની લહાણી