શક્તિસિંહ ગોહિલનો દાવો, ભાજપના વિરોધ વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 10 સીટો જીતશે
રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 સીટો માટે મતદાનને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આકરા પ્રહાર કરવાની એક પણ તક છોડતા નથી. રાજ્યમાં હાસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસ પાર્ટી પણ ક્ષત્રિય આંદોલનના કારણે મેદાનમાં આવી ગઈ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે રાજ્યની 10 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ શહેરમાં આજે લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, કોંગ્રેસના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, જગદીશ ઠાકોર, સ્થાનિક કોંગ્રેસના આગેવાનો ઈન્દ્રનિલ રાજ્યગુરુ સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાઓના સત્તાના ઘમંડનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આજે ગુજરાતમાં ભાજપની સત્તાનો અહંકાર અને જનતાની સ્વાભિમાનની લડાઈ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અવાજ ઉઠે ત્યારે સંઘર્ષને બદલે સંવાદ થવો જોઈએ, તેને બદલે ભાજપે સંવાદને બદલે સંઘર્ષ કર્યો છે અને લોકોના અવાજને દબાવ્યો છે. પાટીદાર સમાજના 14 યુવાનો શહીદ થયા, ઉનામાં દલિત અને માલધારીઓ સમાજ તેમજ આંગણવાડીની બહેનો કે જૂની પેન્શનની માંગણી કરનાર કર્મચારી હોય, જ્યારે આંદોલનો થયા પણ ભાજપે કોઈ દિવસ સહકારને બદલે અહંકાર જ બતાવ્યો છે.
તેમણે પીએમ મોદી પર પણ પ્રહાર કરતા કહ્યું કે દેશના વડાપ્રધાન માત્ર ભાજપના જ નહીં દેશના છે. તેઓ ભાજપના આગેવાનના વાણી વિલાસની વાત અને નિરાકરણ લાવશે તેવી સૌરાષ્ટ્રની પ્રજાને આશા હતી પણ તે બાબતે એક શબ્દ પણ ન ઉચાર્યો. એ સિવાય 10 વર્ષના શાસનમાં કરેલી કામગીરી પ્રજાને બતાવવી જોઈતી હતી, પણ તેને બદલે માત્ર કોંગ્રેસ પર જ પ્રહારો કરીને પ્રવચનો આપ્યા છે.
આપણ વાંચો: ગુજરાતમાં લોકસભાનાં 328 ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા, અમિત શાહ સામે 29 ઉમેદવારો લડશે ચૂંટણી
કોંગ્રેસ નેતાએ PM મોદીએ અનેક ગેરંટીઓનો હાસ્યાસ્પદ ગણાવતા કહ્યું કે તેમની એક પણ ગેરન્ટી પૂરી થઈ નથી તેમણે આક્ષેપ લગાવ્યો કે, વડાપ્રધાનની અમુક હાસ્યાસ્પદ વાતોને ગેસના સિલિન્ડર સસ્તા થવાની વાતો અને બેરોજગારોને રોજગારી આપવાની વાતો માત્ર કાગળ પર જ રહી છે. પ્રવર્તમાન સરકાર દેશના લોકોની ભોજન અને વસ્ત્રો પહેરવા બાબતે સલાહ આપી રહી છે. ખરેખર તો એક રાષ્ટ્ર, એક ચૂંટણી, એક પાર્ટી એક નેતા હોવા જોઈએ. પરિણામે અનેકતામાં એકતા જોવા મળે છે, પરંતુ ભાજપ સરકાર આ વાતોમાં માનતી નથી. છેલ્લા 10 વર્ષથી એક લાખ ખેડૂતોએ પોતપોતાની માંગણી સંદર્ભે આપઘાત કર્યા છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગરીબોને કોઈ જાતનો સહકાર અપાતો નથી.
જ્યારે AICCના મુકુલ વાસનિકે જણાવ્યું કે, ભાજપ ગમે તેટલો કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરે પણ હવે પ્રજા ભાજપને ઓળખી ગઈ છે. પ્રવર્તમાન લોકશાહીનું હનન થાય છતાં સર્વોચ્ચ એટલે કે વડાપ્રધાન પદે બેસેલા વ્યક્તિનું મૌનેએ સંપૂર્ણ દેશવાસીઓનું દુર્ભાગ્ય ગણાવ્યું હતું.
વાસનિકે પણ ભાજપના વિરોધ વચ્ચે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 10 સીટો મેળવશે તેવો દાવો કર્યો હતો.ભાજપ ખરેખર કોંગ્રેસનું ઘોષણા પત્ર સમજી શક્યું નથી. જૂઠાણાની બૂનિયાદ પર કોઈ રાજ કરે તેવો કોઈ વડાપ્રધાન આજ સુધી જોયો નથી. સામાન્ય વૃદ્ધના નવજવાન કે યુવાનોનું રોજગારી અને શિક્ષણ અપાવવા બાબતે જો કોંગ્રેસની સરકાર આવશે તો 10 ટકા અનામતની જોગવાઈ કરશે. તેવી મુકુલ વાસનિકે ખાતરી આપી હતી.