શું ઉદ્ધવ ઠાકરેમાં ભાષણમાં સ્વાતંત્ર્યવીર સાવરકરનું નામ લેવાની હિંમત છે?”: અમિત શાહનો હલ્લાબોલ
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને મહાયુતિ દ્વારા રત્નાગીરી-સિંધુદુર્ગ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેમની સામે વર્તમાન સાંસદ વિનાયક રાઉત પડકાર ફેંકશે. કોંકણ પારંપરિક રીતે શિવસેનાનો ગઢ ગણાતો હોવા છતાં આ સીટ આ વર્ષે ભાજપને આપવામાં આવી છે અને સિનિયર રાણેને અહીંથી ઉતારવામાં આવ્યા છે. નારાયણ રાણે માટે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ પોતે આજે કોંકણમાં પ્રચાર રેલી માટે આવ્યા છે. કોંકણથી તેમણે ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કર્યા હતા.
ઐતિહાસિક સિંધુદુર્ગ કિલ્લા વિશે બોલતા શાહે કહ્યું હતું કે આ કિલ્લો આપણને હિંદી સ્વરાજની યાદ અપાવે છે. હું સિંધુદુર્ગની ધરતી પર તમારી સમક્ષ ઊભો છું. ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે, આજના નકલી સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના ભાષણમાં વીર સાવરકરના નામનો ઉલ્લેખ કરવાની હિંમત ધરાવે છે? તેમનામાં સાવરકરનું નામ લેવાની હિંમત નથી, તમારી કેવી શિવસેના છે? તમારી નકલી શિવસેના છે.
આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રના 40 ગામના રહેવાસીઓને પડે છે આના માટે હાલાકી, જાણો કેમ?
દેશની આર્થિક પ્રગતિની વાત કરતા શાહે કહ્યું હતું કે, દસ વર્ષ પહેલા મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા 11મા ક્રમે હતી. છેલ્લા પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અર્થવ્યવસ્થાને પાંચમા સ્થાને પહોંચાડી છે. જો મોદીને ફરીથી વોટ આપવામાં આવશે તો આ અર્થતંત્ર ત્રીજા નંબરે આવશે. મોદીને પીએમ બનાવવાનો અર્થ એ છે કે દેશ સુરક્ષિત છે. ખડગેને કાશ્મીર પરાયુ લાગે છે. તેઓ કહે છે કે જમ્મુ કાશ્મીર સાથે રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકોને શું લેવાદેવા છે, પણ રત્નાગીરી-સિંધુદુર્ગનો નાનામાં નાનો છોકરો પણ કાશ્મીર માટે જાનની બાજી લગાવી દે તેમ છે.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રને ભારતના રોકાણમાં નંબર વન બનાવવાનું કામ કર્યું છે એમ જણાવતા શાહે કહ્યું હતું કે પીએમ મોદીએ મહારાષ્ટ્રને ઇન્ફ્રાના ઘણા પ્રોજેક્ટ આપ્યા છે. વિરોધ પક્ષના લોકો દેશનો વિકાસ કરી શકતા નથી. દેશને સુરક્ષિત રાખી શકતા નથી. દેશની સમસ્યા હલ કરી શકતા નથી. નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરેની ગુંડાગીરી સામે ઘણો સંઘર્ષ કર્યો છે. તેથી જ ભાજપે કોંકણ માટે નારાયણ રાણેને ઉમેદવારી આપી છે. તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે તેમણે અપીલ કરી હતી.