9 જૂને ભારત-પાકિસ્તાનની વર્લ્ડ કપમાં ટક્કર: ન્યૂ યૉર્કમાં હોટેલની રૂમના ભાડાં સાતમા આસમાને
ન્યૂ યૉર્ક: ગયા વર્ષે આપણે જોયું કે અમદાવાદમાં 1,32,000 પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતા ધરાવતા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપની જે મૅચ રમાઈ હતી એ જોવા દેશ-વિદેશથી આવેલા લોકોમાંના કેટલાકને શહેરની હોટેલોમાં રૂમ ન મળતાં તેમણે રહેવા માટે હૉસ્પિટલમાં બેડ બુક કરવા પડ્યા હતા. બધા જાણે જ છે કે ક્રિકેટમાં ભારત-પાકિસ્તાનના મુકાબલા જેવી હાઈ-પ્રોફાઇલ મૅચ બીજી કોઈ નથી. એટલે જ હવે બધાની નજર ન્યૂ યૉર્ક તરફ મંડાયેલી છે.
ભારત-પાકિસ્તાનની વધુ એક ટક્કર બહુ નજીક આવી ગઈ છે. માત્ર 35 દિવસ પછી (નવમી જૂને) ન્યૂ યૉર્કમાં ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20નો જંગ (સ્થાનિક સમય મુજબ સવારે 10.30 વાગ્યાથી, ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) યોજાશે.
એવું જણાઈ રહ્યું છે કે નવમી જૂન પહેલાં જ અમદાવાદ જેવી સ્થિતિ ન્યૂ યૉર્કમાં સર્જાશે. કેટલાક અહેવાલ મુજબ નવમી જૂન અને એની આસપાસની તારીખ માટે ન્યૂ યૉર્કમાં હોટેલની રૂમના ભાડાંમાં 600 ટકા જેટલો વધારો થઈ ગયો છે. સામાન્ય રીતે ન્યૂ યૉર્કમાં હોટેલની એક રૂમનું એક રાત્રિનું ભાડું 113 ડૉલર (અંદાજે 9,422 રૂપિયા) હોય છે, પરંતુ બીજી મેથી (ગુરુવારથી) આ ભાડું વધીને 799 ડૉલર (66,624 રૂપિયા) થઈ ગયું છે. અન્ય હોટેલોમાં રૂમનું એક નાઇટનું ભાડું 600 ટકા નથી વધ્યું, પણ બમણું તો થઈ જ ગયું છે.
આપણ વાંચો: ભારતના વર્લ્ડ કપમાં રમી ચૂકેલા કૅરિબિયન ક્રિકેટરના રમવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ
ભારત-પાકિસ્તાનનો મુકાબલો પ્રત્યક્ષ જોવા ઘણા ક્રિકેટપ્રેમીઓએ અત્યારથી ન્યૂ યૉર્કમાં હોટેલની રૂમ બુક કરાવવાની શરૂઆત કરી લીધી છે જેને કારણે હોટેલના ભાડાં ઝડપભેર વધી રહ્યા છે. ટૂર્નામેન્ટ બીજી જૂને શરૂ થશે અને એ દિવસનું એક રૂમનું ભાડું આશરે 10,000 રૂપિયા છે, પરંતુ ભારત-પાકિસ્તાનની 9 જૂનની મૅચના સમયનું એક દિવસનું ભાડું વધીને 70,000 રૂપિયા જેટલું થઈ ગયું છે.
ઑક્ટોબર, 2023માં અમદાવાદમાં ભારતે વન-ડેના વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું અને વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનને તમામ મૅચોમાં હરાવવાની પરંપરા ભારતે 8-0થી જાળવી રાખી હતી.
ટી-20 વર્લ્ડ કપમાં ભારત સતત પાંચ મૅચ જીત્યા બાદ પાકિસ્તાન સામે એક મૅચ હારી જતાં ભારતનો છેવટે 6-1નો રેકૉર્ડ છે:
1) 2007ની લીગ મૅચમાં મૅચ ટાઇ થયા બાદ બૉલ-આઉટમાં ભારતનો વિજય
2) 2007ની ફાઇનલમાં ભારતનો પાંચ રનથી વિજય
(3) 2012માં ભારતનો આઠ વિકેટે વિજય
4) 2014માં ભારતનો સાત વિકેટે વિજય
5) 2016માં ભારતનો છ વિકેટે વિજય
6) 2021માં પાકિસ્તાનનો 10 વિકેટે વિજય
7) 2022માં ભારતનો ચાર વિકેટે વિજય.