ફિલ્મ મ્યુઝિયમોની અનોખી દુનિયા
આદિ આદમના જમાનાથી માનવ માત્રને સંઘરવાની આદત પડી ગઈ છે, જેમાંથી સંગ્રહાલયો સર્જાયાં. એમાંથી કેટલાંક અવનવાં ફિલ્મ મ્યુઝિયમોની કથા જાણવા જેવી છે
ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ
*નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા’ -મુંબઈ
*પેરિસનું સિનેમાથેક ફ્રાંસે’ મ્યુઝિયમ
*ઈટાલિના મશહૂર દિગ્દર્શક ફેડરિકો ફેલિની સ્મૃતિમાં આગવું ફિલ્મ મ્યુઝિયમ
આપણું મન મર્કટ જેવું છે. જલદી સ્થિર રહે જ નહીં. એક કામ કરતાં કરતાં બીજું કંઈ કરવાની ઈચ્છા જાગે. તમને વાર્તા વાંચવાનો શોખ હોય તો અચાનક થાય : ચાલો, આ વાર્તા પરથી ફિલ્મ બનાવીએ કવિતા વાંચતાં -લખતાં પેઈન્ટિગ કરવાનું મન થઈ આવે થાય- આવું થાય- જન્મજાત સ્વભાવ છે. માણસમાત્રના DNA માં આ છે. એ જ રીતે, DNAને કારણે જાણતા-અજાણતા કશું ને કશું અને એ પણ કોઈ ખાસ પ્રયોજન વિના સંઘરતા રહેવું આદિમાનવનો સ્વભાવ બની ગયો અને એ જ કારણથી એ પ્રાચીન પુરુષ સંગ્રહખોર બનતો ગયો. અને આ જ સંગ્રહખોરીને પાછળથી આપણે વિરાસતનું રૂપકડું નામ આપ્યું.
પ્રાચીન વસ્તુઓને વારસારૂપે એક જ સ્થળે વ્યવસ્થિત ગોઠવણી થતી ગઈ તેને લીધે એમાંથી ક્રમશ: મ્યુઝિયમ-સંગ્રહાલય અસ્તિત્વમાં આવતા ગયા અને વિવિધ વિષયોને લઈને આવાં સંગ્રહાલય વધતાં જ ગયા પછી એવા પ્રશ્ર્ન પૂછાતા થઈ ગયા કે આજના આ ડિજિટલના યુગમાં આટલી વિશાળ જગ્યા રોકી- માનવ કલાકો તેમજ ધનનો આવો વ્યય કરી વર્ષો જૂની વસ્તુઓને હવે શા માટે ને કોને ખાતર સાચવી રાખવી જોઈએ? હા, એ ખરું કે આવતી પેઢીની જાણ માટે આપણી સંસ્કૃતિ-ઈતિહાસને અકબંધ રાખવા જોઈઅ ેતો એની સાચવણી માટે આપણી પાસે અતિ આધુનિક ડિજિટલ ટેકનોલોજી ક્યાં નથી ?! તમે ધારો ત્યારે સૈકાઓ પહેલાંની પુરાણી વસ્તુ -એનો ઈતિહાસ એક માત્ર ક્લિક કરવાથી લેપટોપ પર હાજર થઈ જાય
આમ છતાં જાતભાતનાં મ્યુઝિયમો વચ્ચે ફિલ્મચાહકોનો એક વિશેષ વર્ગ છે. એમને ફિલ્મનિર્માણની પરંપરાગતથી લઈને આધુનિક પદ્ધતિ સુધી અને વિશ્ર્વની નમૂનેદાર ફિલ્મો વિશે પણ જાણવા -જોવામાં વિશેષ રસ છે. આવા ફિલ્મવિશ્ર્વનો ચિતાર દેતા કેટલાંક સિને-મ્યુઝિયમ જાણીતા છે. એમાનાં કેટલાંકની ઝલક જોઈએ તો સહેજે છે કે હોલીવૂડ સર્વપ્રથમ યાદ આવે.
લોસ એન્જિલિસમાં આવેલા આ મ્યુઝિયમમાં ૧૦ હજારથી વધુ ફિલ્મો તેમ જ ત્યાંના ટેલિવિઝન ઉદ્યોગની ચુનંદી સ્મૃતિઓનો ઈતિહાસ તાદ્ર્શ્ય કરવામાં આવ્યો છે. સેક્સી મેર્લિન મનરોથી લઈને કરડા માર્લોન બ્રાન્ડો જેવાં અદાકારોએ એમની યાદગાર ભુમિકા દરમિયાન ધારણ કરેલાં વસ્ત્રો સુધ્ધાં અહીં પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. ફિલ્મને લગતાં શ્રેષ્ઠ ગણાય એવાં વિશ્ર્વનાં પ્રથમ ૧૦ મ્યુઝિયમની યાદીમાં હોલીવૂડ ફિલ્મ ઉદ્યોગની જેમ ફ્રાન્સ- જર્મન- ઓસ્ટ્રેલિયા-ઈટાલી-ચીન સાથે દુબઈ અરે, યુક્રેન જેવાં દેશનાંય સિને મ્યુઝિયમનો પણ સમાવેશ થયો છે.
એ દરેકને પોતાની વિશેષતા છે એની ના નહીં,પણ જ્યાં અનેકવિધ ભાષાઓની ઢગલાબંધ ફિલ્મો નિર્માણ પામે છે એનું પ્રતિનિધિત્વ કરે એવા મુંબઈના આપણા નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા નો ઉલ્લેખ સુધ્ધાં નથી.
ખેર, આપણે ભારતીય સિનેમા તેમજ વિશ્ર્વ ફિલ્મજગતના વિવિધ પાસાને આવરતા ખબરઅંતર જાણવા હોય તો આ ક્ષેત્રના ખરા અભ્યાસુ -મર્મજ્ઞ એવા અમૃત ગંગરને મળવું પડે. મુંબઈના અમૃતભાઈ સિનેમાના અનેકવિધ પાસાને આવરતી નવ પરિચય પુસ્તિકા લખી છે. ભારત સરકાર સંચાલિત મુંબઈના ‘નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા’ના સ્થાપક ક્ધસલટન્ટ ક્યૂરેટર, ક્ધટેન્ટ ડેવલપર-સલાહકાર તરીકે એમણે યશસ્વી કામગીરી બજાવી છે.
મુંબઇ સ્થિત આ રાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમને અમૃતભાઈએ અવતરતાં તેમજ પાંગરતાં જોયું છે.
દાદાસાહેબ ફાલકે-પૂર્વ અને પશ્ર્ચાત્તના વિશાળ કાળખંડને આવરનારું દેશનું સૌથી પ્રથમ અને બે મકાનમાં વિસ્તરેલું ફિલ્મ મ્યુઝિયમ છે. એને વિકસાવવાની મુખ્ય જવાબદારી કલકત્તાના ‘નેશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ્સ’ની હોવાથી અમૃતભાઈને અઢી વર્ષ સુધી કલકત્તા રહેવું પડ્યું હતું.
અમૃતભાઈ કહે છે તેમ આ મ્યુઝિયમની અનેક વિશેષતા છે. એક તો ક્યૂરેટોરિયલ કલ્પના મુજબ તેમાં ભારતીયતા અને મ્યુઝિયમના મૂળભૂત સિદ્ધાંતનું સિંચન થયું છે.દાખલા તરીકે, મોશન (ગતિ) વિશેના આપણાં પરંપરાગત ઐતિહાસિક ખ્યાલો અને તેને લગતી પરિભાષા. તેને અમે સેંકડો વરસોથી ચાલતી આવેલી પટચિત્રની પરંપરાથી જોડી છે. શબ્દ વ્યુત્પત્તિની રીતે જોઇએ તો ‘ચિત્રપટ’ શબ્દ ‘પટચિત્ર’માંથી આવ્યો છે. આપણી દશ્યકલામાં પણ ચિત્રો અને શબ્દોની સાથે મોશન (ગતિ)નો ભાવ છે.
આ મ્યુઝિયમનું અન્ય રસપ્રદ પાસું છે એની ‘ઇન્ટરેક્ટિવ’ ગોઠવણ .ઉદાહરણ તરીકે, ધ્વનિ વિભાગમાં મુલાકાતી કોઇ પણ ફિલ્મનું એની પસંદગીનું ગીત ગાઇ, તેનું રેકોર્ડિંગ કરીને પાછું સાંભળી શકે છે. સંગીતપ્રિય ભારતીય પ્રજાની આ લાક્ષણિકતાને આ સંગ્રહાલય દર્શાવે છે. એ જ રીતે , અહીં ભાષાઓનું વૈવિધ્ય વગેરે આગવી વિશેષતાઓ પણ છે ,જે તમને વિશ્ર્વના અન્ય ફિલ્મ મ્યુઝિયમોમાં જોવા નહીં મળે
તમારી દ્રષ્ટિએ વિશ્ર્વનું શ્રેષ્ઠ ફિલ્મ સંગ્રહાલય કયું? તમારી દ્રષ્ટિએ એની વિષેશતા શું?’
એના જવાબમાં અમૃતભાઈ કહે છે કે ૧૯૩૬માં સ્થપાયેલું પેરિસનું ‘સિનેમાથેક ફ્રાંસે’ને શ્રેષ્ઠ કહી શકાય. ૨૦૧૯માં આપણું મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં જ મેં ત્રણેક વખત એની મુલાકાત લીધી હતી. આ મ્યુઝિમના સ્થાપક વડા હેન્રી લેંગ્લોઆ જગતમાં એકમાત્ર વ્યક્તિ છે, જેમને ફિલ્મ સંગ્રહાલયની પ્રવૃત્તિ માટે ઑસ્કાર ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો! . વ્યક્તિગત રીતે મને અનેક દેશ તરફથી લેક્ચર માટે તેમજ આંતર્રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી- સભ્ય તરીકેઆમંત્રણ મળે છે.પરિણામે મને ફ્રેંચ, ડેનિશ, પોલિશ,હંગેરિયન, ઇરાનિયન, સ્વીડિશ સિનેમાના મ્યુઝિયમ જોવાંની તક મળી છે, પણ સૌથી વધારે રસપ્રદ પેરિસનું સિનેમાથેક ફ્રાન્સે છે.
સિનેમાને અદ્ભુત રીતે અન્ય કલાઓ સાથે સાંકળતી કલ્પના – ગોઠવણ માટે મને એ સર્વોત્તમ લાગ્યું છે અને એ સૌથી જૂનું પણ છે.
દેશના સમસ્ત ફિલ્મ ઉદ્યોગને આવરી લેતા સંગ્રહાલયો અનેક દેશમાં છે, પરંતુ કોઈ એક ફિલ્મ સર્જકની સિને કૃતિઓને લઈને એક વિશષ મ્યુઝિયમ કોઈ રાષ્ટ્રીય કક્ષાએ તૈયાર થાય એવી અપવાદરૂપ ઘટના ઈટાલીમાં બની છે. વિશ્વ જેને સલામ કરે છે એવા ઈટાલીના મશહૂર દિગ્દર્શક ફેડરિકો ફેલિની અલગારી આદમી હતા. એમની ફિલ્મો ચીલાચાલુ કરતાં હંમેશા અલગ તરી આવતી. જગતના આ એક માત્ર એવા સર્જક હતા કે એમની સર્જક કળાને વણર્વા માટે ‘ઑક્સફર્ડ’ ડિકશનેરીમાં ‘ફેલિનિસ્ક્યૂ ’ શબ્દ ખાસ ઉમેરવામાં આવ્યો છે!
આવા દિગ્ગજ દિગ્દશર્કના અનોખા મ્યુઝિયમ પાછળ ઈટાલીની સરકારે છેલ્લા ત્રણેક વર્ષમાં ૧૬ મિલિયન યુરો ( આશરે ૧ અબજ ૪૨ કરોડ્ રૂપિયા)નો ખર્ચ કર્યા છે. હજુ મ્યુઝિયમમાં બીજા વિભાગ વધશે -વધુ આધુનિક થશે એમ વધુ રકમ ઈટાલીની સરકાર પૂરી પાડશે..
ફેલિનીના જન્મ સ્થળ રિમિની સિટીમાં બે માળની ઈમારતમાં વિસ્તરેલા આ મ્યુઝિયમમાં ફેલિનિની ફિલ્મો-એની મૂળ શૂટિંગ સ્ક્રિપ્ટ – ફિલ્મોમાં લગતી કે વપરાયેલી સામગ્રી,ઈત્યાદિ-ઈત્યાદિ, પ્રદર્શિત કરવામાં આવી છે. એક દેશ એના બહુમૂલા સર્જકની સ્મૃતિને કઈ રીતે યાદગાર બનાવી શકે એનું ચોટદાર ઉદાહરણ પણ અહીં જોવાં મળે છે. પાંચ પાંચ ઍકેડેમી અવાર્ડસ એટલે કે પ્રતિષ્ઠત ‘ઓસ્કર’ પુરસ્કાર વિજેતા આ સર્જકના મ્યુઝિયમની નજીક આવેલા વિશાળ પાર્કથી લઈને શહેરની મોટા ભાગની સ્ટ્રીટને
ફેડરિકો ફેલિનીની યાદગાર ફિલ્મોનાં નામ સુદ્ધાં આપવામાં આવ્યાં છે..! ( સંપૂર્ણ )