તાલાલા APMCમાં કેસર કેરીની એન્ટ્રી, ઓછા ઉત્પાદનથી ભાવ આસમાને
ગીર-સોમનાથઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની આજથી તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે વિધિવત રીતે જાહેર હરાજી શરૂ થઈ છે. બપોરે 2 કલાકે શરૂ થયેલી હરાજીમાં આજે અંદાજિત 7 થી 8 હજાર 10 કિલોના કેરીના બોક્સની આવક થવા પામી છે. આજે પ્રથમ દિવસે જ જાહેર હરાજીમાં પ્રતિ 10 કિલોના કેસર કેરીના એક બોક્સનો ભાવ રૂપિયા 625થી 1350નો બોલાયો હતો અને સરેરાશ ભાવ 950 રહ્યો હતો. કેરીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળ્યા હતા.
કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીના 10 કિલોના એક બોક્સનો ભાવ રૂપિયા 625થી 1350નો બોલાયો હતો અને સરેરાશ ભાવ 950 રહ્યો હતો. કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. વર્તમાન સિઝન કેસર માટે માફક ન હોવાનું સામે આવ્યું છે. તાલાલા APMC ખાતે દર વર્ષે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં હરાજીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે કેસર કેરી મોડી થવાને કારણે હરાજી પણ મોડી શરૂ થઈ છે.
ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની જાહેર હરાજી 20મી એપ્રિલથી થઈ હતી ત્યારે આ વર્ષે 12 દિવસ બાદ 1લી મેના દિવસે જાહેર હરાજી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે કેરીની સીઝન 60 દિવસ સુધી ચાલેલી પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થાય અને 40થી 45 દિવસમાં કેરીની સીઝન પૂર્ણ થાય તેવી પણ શક્યતાઓ છે. ગત વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં 11 લાખ 11, 354 જેટલા 10 કિલોના બોક્સની આવક થવા પામી હતી પરંતુ આ વર્ષે કેરીનો ઉતારામાં ઉણપ અને પાછતરી કેરીના પરિણામે આ વર્ષે 4થી 5 લાખ બોક્સ સમગ્ર સીઝન દરમિયાન આવે તેવી શક્યતા છે.
આપણ વાંચો: Kesar Mangoes: મે મહિનાના અંતમાં તમને સસ્તી અને મબલખ કેસર કેરી ખાવા મળશે
ગ્લોબલ વોર્મિંગને કારણે આ વખતે આંબા પર આવરણ આવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. આજે પ્રથમ તબક્કાની કેરી બજારમાં આવી છે. કમોસમી વરસાદ અને રોગ જીવાતને કારણે આ વર્ષ કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. તો રોગ જીવાતને કારણે કેસરમાં ખરણ પણ વધ્યું હતું.
કેસરના ઓછા ઉતારાની ભીતિને કારણે ભાવ પણ ઊંચા રહેવા પામ્યા છે. દર વર્ષે મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે અને દેશ-વિદેશમાં કેસર કેરી એક્સપોર્ટ થાય છે. તાલાલા મેંગો માર્કેટમાં પ્રથમ દિવસે 10 કિલોના કુલ 5760 બોક્સની આવક થઈ છે. તો અત્યાર સુધીમાં યુકે, કેનેડા, યુએઈ સહિતના દેશોમાં કેસરના 3 કિલોના 4400 બોક્સ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે.
કેસર કેરીના ઓછા ઉત્પાદન અને ટુંકી સીઝનના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ કેસર કેરનીનો આસ્વાદ માણી શકશે કે કેમ તે મોટો સવાલ છે. જો કે વેપારીઓના જણાવ્યા પ્રમાણે 1લી જૂન બાદ 10 કિલો કેસર કેરીના બજાર ભાવોમાં થોડો ઘટાડો આવી શકે છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પણ જૂન મહિના દરમિયાન કેસર કેરીનો સ્વાદ લઈ શકશે.