મુંબઈઃ મુંબઈગરા માટે લાઈફલાઈન બની ચૂકેલી લોકલ ટ્રેનમાં યુવાનો દ્વારા અવારનવાર સ્ટન્ટ કરવામાં આવતા હોવાના વીડિયો અવારનવાર વાઈરલ થતાં હોય છે. રેલવે પોલીસ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં પણ સ્ટન્ટ કરનારાઓ કંઈ સુધરતા નથી.
હાલમાં આવો જ જીવલેણ સ્ટન્ટ કરી રહેલાં એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ પહેલાં મધ્ય રેલવેના હાર્બર લાઈન પર આ જ પ્રકારનો સ્ટન્ટનો વીડિયો સામે આવ્યો હતો અને એ સમયે પણ રેલવે પોલીસ દ્વારા કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ હવે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં આ પ્રકારનો સ્ટન્ટનો વીડિયો સામે આવ્યો છે.
પશ્ચિમ રેલવે પર રાતે 12 વાગ્યાની આસપાસ એક યુવક ચાલુ ટ્રેનમાં કોચની નીચે રહેલી આપાતકાલીન સીડી પર ઊભા રહીને સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો અને આ બધો પ્રકાર મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે. વિરારથી ચર્ચગેટ જઈ રહેલી લોકલ ટ્રેનમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
આ વીડિયો સામે આવ્યો બાદ આ સ્ટન્ટ કરનાર યુવક સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને સસ્તી પ્રસિદ્ધિ મેળવાના ચક્કરમાં યુવાનો જીવનું જોખમ વહોરી લેતા હોય છે.
चालत्या ट्रेनमध्ये तरुणाची स्टंटबाजी; प्रवाशांची कारवाईची मागणी#Mumbailocal #Virar #Westernrailway #RPF pic.twitter.com/09tX4eKHA1
— ZEE २४ तास (@zee24taasnews) September 15, 2023
મુંબઈની લોકલ ટ્રેનમાં સ્ટન્ટબાજીનો આ વીડિયો સામે આવતા પ્રવાસીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગુરુવારે મધરાતે ચર્ચગેટ જઈ રહેલી લોકલ ટ્રેનમાં આ ઘટના બની હતી. યુવક ડબાની નીચે આવેલી આપાતકાલીન સીડી પર ઉતરીને સ્ટન્ટ કરવા લાગ્યો હતો. દરમિયાન એક પ્રવાસીએ તેનો વીડિયો બનાવી લીધો હતો.
દરમિયાન આવો જ એક વીડિયો ચાર દિવસ પહેલાં સામે આવ્યો હતો, જેમાં એક યુવાન ટ્રેનના દરવાજાની ફ્રેમ પકડીને સ્ટન્ટ કરી રહ્યો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર આવતા જ યુવક ટ્રેનમાંથી ઉતરીને ફરાર થઈ ગયો હતો.