ચેન્નઈ: ચેપૉકમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 162 રન બનાવ્યા હતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (62 રન, 48 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ 18મી ઓવર સુધી એક છેડો સાચવી રાખ્યો હતો.
મંગળવારે ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ થયેલો શિવમ દુબે પોતાના પહેલા જ બૉલમાં આઉટ થઈ ગયો હતો. સ્પિનર હરપ્રીત બ્રારે તેને એલબીડબ્લ્યૂમાં આઉટ કર્યો હતો. ઓપનર અજિંક્ય રહાણે (24 બૉલમાં 29 રન) ફરી એકવાર લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો, પણ ગાયકવાડ સાથે તેણે 64 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.
સમીર રિઝવી (21 રન)ની વિકેટ પડ્યા પછી છેક 17મી ઓવરમાં ચેન્નઈની પહેલી સિક્સર જોવા મળી હતી. એ છગ્ગો ગાયકવાડે સૅમના બૉલમાં ફટકાર્યો હતો.
ગાયકવાડની વિકેટ પડ્યા બાદ મોઇન અલી (નવ બૉલમાં 15 રન) સાથે એમએસ ધોની (11 બૉલમાં એક સિક્સર, એક ફોર સાથે 14 રન) જોડાયો હતો. ધોની પાછલી સાતેય ઇનિંગ્સમાં અણનમ રહ્યો હતો અને બુધવારે આ સીઝનમાં પહેલી જ વાર આઉટ થયો હતો. 20મી ઓવરમાં અર્શદીપ સિંહે ધોનીને વારંવાર સીધા સ્ટમ્પ્સ પર બૉલ ફેંકવાનું ટાળીને તેમ જ્ બે વાઇડ ફેંકીને તેને ફટકાબાજીથી વંચિત રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ધોનીએ બે મોટા ફટકા તો માર્યા જ હતા. છેવટે ઇનિંગ્સના આખરી બૉલમાં તે રનઆઉટ થયો હતો. પંજાબના હરપ્રીત બ્રાર અને રાહુલ ચાહરે બે-બે વિકેટ લીધી હતી.
Taboola Feed