વેપાર

ચાંદીમાં વધુ રૂ. ૫૪૦ની આગેકૂચ, સોનામાં રૂ. ૧૨૧નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અમેરિકા અને ચીન વચ્ચે વેપારી સંબંધોમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા છતાં અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી સાધારણ 0.૩ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાના અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં વધુ કિલોદીઠ રૂ. ૫૪૦ની આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે વૈશ્વિક સોનામાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૩૮ પૈસા નબળો ક્વોટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધી આવતા મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧નો સાધારણ સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જવેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરા સહિત ધોરણે ભાવ વધુ કિલોદીઠ રૂ. ૫૪૦ના સુધારા સાથે રૂ. ૧,૦૧,000ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ખાસ કરીને ડૉલર સામે રૂપિયો નબળો પડયો હોવાથી આયાત પડતરો વધવાને કારણે વિશ્વ બજારથી વિપરીત વેરા રહિત ધોરણે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧ વધીને ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૬,૬૦૦ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૬,૯૮૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જવેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગઈકાલે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે ઔંસદીઠ ૩૩૫૧.૪૯ ડૉલર અને ૩૩૭૫ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને આઁસદીઠ ૩૪.૪૦ ડૉલર આસપાસ ક્વોટ થઈ રહ્યા હતા.

એકંદરે અમેરિકા અને ચીન તથા યુરોપિયન યુનીયિન વચ્ચે વેપાર અંગેની અનિશ્ચિતતાનું વાતાવરણ હોવાથી નીચા મથાળેથી રોકાણકારોની સોનામાં ખરીદી જોવા મળી શકે છે, એમ ઓએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.

જોકે, તાજેતરમાં અમેરિકી જોબ ડેટામાં જોવા મળેલો સુધારો જોવા મળતાં થોડી ચિંતા હળવી જરૂર થઈ છે, પરંતુ સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહે તેવી શક્યતા કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહ દરમિયાન અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શિ જિનપિંગની વેપાર વિવાદના ઉકેલ માટે બેઠક યોજાનાર છે ત્યારે ચીનના વિદેશ પ્રધાન વૉંગ યીએ અમેરિકી રાજદૂતને જણાવ્યું હતું કે અમેરિકાએ દ્વીપક્ષીય વેપાર સંબંધને સાચી દિશામાં લાવવા માટે અનુકૂળ પરિસ્થિતિ બનાવવી જોઈએ. વધુમાં ગઈકાલે ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કૉઑપરેશન ઍન્ડ ડેવલોપમેન્ટ (ઓઈસીડી)એ પણ ટ્રમ્પના વહીવટીતંત્રની વેપાર નીતિઓની અમેરિકી અર્થતંત્ર પર ભારે માઠી અસર થવાની ચેતવણી ઉચ્ચારી હતી. તેમ જ અમેરિકી ફેડરલ રિઝલ પણ આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા નાણાનીતિમાં સાવચેતીનો અભિગમ અપનાવી રહ્યું છે.

આ પણ વાંચો….અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટૅરિફને બે્રક મારતાં વૈશ્વિક સોનામાં નરમાઈ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button