₹ ૧૦૪ કરોડના ઓર્ડર રદ કરીને પણ બે કરોડની આવક!
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
માત્ર બુદ્ધિ અને મોબાઇલ ફોનની મદદથી કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ શકે? માનવામાં ન આવે પણ આવો ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં બન્યાનું બહાર આવ્યું હતું. આમાં બન્ને આરોપીઓએ ઓનલાઇન શોપિંગ અને ક્રેડિટ કાર્ડના નિયમોનો ઊંડો અભ્યાસ કર્યા બાદ એના નામે ઊંડી રમત શરૂ કરી હતી.
અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ પોલીસે બે પિતરાઇ ભાઇઓની મોડસ ઓપરેન્ડી જાહેર કરી ત્યારે ભલભલા ચતુરજન મોઢામાં આંગળા નાખી ગયા હતા. આ બન્નેએ જિયો માર્ટ પરથી ઓનલાઇન શોપિંગ કરી. એમાં કંઇ ખોટું નથી. અમુકમાં કેશ ઓન ડિલિવરીની પસંદગી કરી અને અમુક સોદામાં એક ખાનગી બૅન્કના કાર્ડથી પેમેન્ટ કર્યું. એમાંય કંઇ જ ખોટું નથી. તો ખોટું કયાં થયું અને શું થયું?
એ હવે સમજીએ. આ બન્નેએ અલગ-અલગ મોબાઇલ નંબર પરથી મોટી-મોટી રકમની ઓનલાઇન ખરીદી કરી. આના થકી રિવોર્ડ પોઇન્ટ મેળવી લીધા, પરંતુ ડિલિવરીની તારીખ અગાઉ ઑર્ડર કેન્સલ કરાવી દે કેશ ઓન ડિલિવરી લિસ્ટસમાં તો ઓર્ડર રદ કરવાથી કંઇ ચૂકવવાનું ન આવે. ખાનગી બૅન્કના નિયમ મુજબ ઑર્ડર કેન્સલ કરાવવાથી થયેલું પેમેન્ટ પાછું મળી જાય. તો આમાં છેતરપિંડી કયાં થઇ? કોની સાથે? કેવી રીતે?
તમે ખરીદી કરીને રિવોર્ડ પોઇન્ટ મેળવી લીધા પણ બધા ઑર્ડર રદ કરી દીધા. આમ છતાં પોતાના ખાતામાં જમા થયેલા રિવોર્ડ પોઇન્ટ વાપરીને બન્ને મફતમાં ચીજ-વસ્તુ મેળવી શકે. બૅન્ક તરફથી મળેલા રિવોર્ડ પોઇન્ટનો બન્ને ચાલાકીપૂર્વક ઉપયોગ કરતા હતા. આ પોઇન્ટના રૂપિયાથી પોતાના ગજવામાંથી એક ફદિયું પણ ખર્ચ્યા વગર તેઓ ખરીદી લેતા હતા.
અને બન્ને પિતરાઇએ જુદી-જુદી સર્વિસ પ્રોવાઇડર કંપનીના સિમ કાર્ડવાળા ૧૨ મોબાઇલ ફોન, લેપટોપ અને રાઉટરની મદદથી ૧૦૪ કરોડ (હા, પૂરા એકસો ચાર કરોડ) રૂપિયાના ઑર્ડર આવ્યા હતા. આ બધા કેન્સલ કરાવીને રિવોર્ડ પોઇન્ટ મારફતે રૂા. બે કરોડના ગોલ્ડ કોઇનની ખરીદી કરી હતી.
બન્ને બૅન્કના રિવોર્ડ પોઇન્ટ થકી જે ગોલ્ડ કોઇનની ખરીદી કરતા એની ડિલિવરી સગાસંબંધી અને મિત્રોના ઘરના સરનામે મંગાવતા હતા. વડોદરા અને સોમનાથના આ આરોપીઓમાં એક બી. કોમ. હતો, તો બીજો એમ. કોમ. આ આખું કારસ્તાન આઠ મહિનામાં આચરાયાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ઓન લાઇન શોપિંગમાં સગવડ ભલે હોય પણ જાતે જઇને ખરીદી કરવામાં જે મજા, રોમાંચ અને માનવીય સંસ્પર્શ હોય એ તો નથી, નથી ને નથી જ. તમે સંમત છો?