મતદાતા છે લોકતંત્રનો ખરો ભાગ્યવિધાતા
મતદાન માત્ર આપણો અધિકાર નથી- એ છે આપણી બહુ મોટી જવાબદારી
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને આપેલી લોકશાહીની આ વ્યાખ્યા જગપ્રસિદ્ધ છે :
‘Democracy is a rule of the people,
for the people and by the people.’
અર્થાત્ લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા ચાલતી પદ્ધતિ પ્રાચીન સમયમાં રાજાશાહી પદ્ધતિથી શાસન ચાલતું હતું. સમય જતા લોકશાહી અસ્તિત્વમાં આવી અને લોકો પોતાનો નેતા પોતે ચૂંટવા લાગ્યા. આ પદ્ધતિ એટલે સમજો કે આજની મતદાન પદ્ધતિ.
લોકશાહી સમાજ પરિવર્તનનું સાધન અને સાધ્ય છે. લોકશાહી પ્રક્રિયા દ્વારા અસમાનતા કેન્દ્રિત સાંસ્કૃતિક મૂલ્યો, વ્યવહાર અને જન્મ આધારિત સામાજિક વ્યવસ્થા અસ્ત થઈ જાય છે. કાળક્રમે સમાનતા, સ્વતંત્રતા અને વૈશ્ર્વિક દૃષ્ટિ આધારિત સમાજ વ્યવસ્થાની રચના થાય છે. ભારતની લોકશાહીમાં અઢાર વર્ષની ઉંમરનો કોઈપણ નાગરિક મત આપવા માટે સક્ષમ છે. ચૂંટણી તો અવારનવાર આવતી જ રહે છે. ચૂંટણીના અનેક પ્રકાર છે. મતદાનના પણ ઘણા પ્રકાર છે. અત્યારે એ વાત કે ચર્ચા આપણે નથી કરવી. આમ છતાં, દરેક નાગરિકે સમજી લેવાની જરૂર છે કે અઢાર વર્ષની ઉંમર થઈ જાય એટલે એમને મતદાન કરવાનો અધિકાર આપોઆપ મળી જાય છે. એમને અપાતું ચૂંટણી કાર્ડ મતદાન કરવા માટેની લાયકાત ધરાવતું કાર્ડ છે. ચૂંટણી કાર્ડનો ઉપયોગ આપણે ઓળખ માટે પણ કરી શકીએ છીએ. મતદાન એટલે તમે તમારી ઈચ્છા મુજબ તમને યોગ્ય હોય એ પ્રતિનિધિને તમે મત આપી શકો છો. તમારા પ્રતિનિધિ આ ચૂંટણી જીતશે કે હારશે એમાં તમારા મતનું પણ યોગદાન છે, કેમકે ચૂંટણીમાં એક એક મતનું પણ જબરું મહત્ત્વ છે. ઉમેદવાર એક મતથી હારતા કે જીતતા હોય છે.
તમારા વિસ્તારમાં વર્તમાન ચૂંટણીમાં ક્યા પક્ષના નેતા તમારા માટે યોગ્ય છે, એ સમજી વિચારી તમારે મતદાન કરવું જોઈએ. તમારી પસંદગીનો નેતા તમારા વિકાસના યોગ્ય કાર્ય કરવા ચૂંટણી જીતી શકે એટલે કે આપણા માટે જ આપણે યોગ્ય નેતા પસંદ કરવાનો હોય ત્યારે મત આપવો ખૂબ જરૂરી છે.
દેશમાં ચૂંટણી પંચ મતદાનનું આયોજન કરે છે. ભૂતકાળમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવતું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘ઈવીએમ’ (ઈલેકટ્રોનિક વોટિંગ મશીન) સાધન દ્વારા ચૂંટણીઓ યોજાય છે. તેમાં તમે સરળતાથી તમારી પસંદગીના ઉમેદવારને મત આપી શકો છો. આપણે ત્યાં મતદાન વધારવાના પ્રયત્નો થવા છતાં હજુ પણ સો ટકા મતદાન થતું નથી. લોકસભાની વર્તમાન ચૂંટણીના બે તબક્કામાં જ્યાં મતદાન થયું છે તેના આંકડા તપાસીએ તો થયેલું મતદાન લગભગ ૬૦ ટકા રહ્યું છે.
ઓછા મતદાનનાં કારણ તપાસીએ તો ઘણા લોકો ચૂંટણીમાં રસ લેતા નથી અને પોતાના મતને કીમતી સમજતા નથી. ઘણા લોકો પક્ષ – વિપક્ષની માથાકૂટમાં મત આપતા નથી. ઘણાને એમ છે કે હું મત નહિ આપું તો મારા એક મતથી શું ફરક પડી જવાનો છે ?
ઘણા વળી તો સમયનું બહાનું કાઢે છે કે, સમય જ નથી મત આપવા જવાનો ! હકીકતમાં તો મતદાનના દિવસે જાહેર રજા રાખવામાં આવતી હોય છે. ફેક્ટરીઓમાં કામ કરતા કર્મચારી વર્ગ માટે પણ સાપ્તાહિક રજા સરભર કરીને મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવે છે. ઘણા એવું પણ વિચારે છે કે એક પણ લાયક ઉમેદવાર નથી,તો કોઈને મત આપવો જ નથી. આવા ઘણાં બધાં કારણોસર મતદાન સો ટકા થતું નથી. તમને એવું લાગે કે તમારા વિસ્તારનો ઉમેદવાર ચૂંટવા લાયક નથી તો તમે ‘નોટા’ (નન ઓફ ધ એબો) વાપરી શકો છો. એ પણ તમારો અધિકાર છે. અયોગ્ય વ્યક્તિને લોકસભા કે ધારાસભા મોકલીને પાછળથી પસ્તાવા કરતાં ‘નોટા’નું બટન દબાવી દેવું સારું.
જે પણ હોય, પણ મતદાન અચૂક કરવું જ જોઈએ.ઘરમાં બેસી રહીને ફાફડા- જલેબી ઉડાવવા હોય કે ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ બનાવ્યો હોય તો ભલે ચોક્કસ તેવું કરીએ, પરંતુ પહેલા મતદાન કરવા જવું જોઈએ. હવે મતદાનનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં તમે ગમે ત્યારે મત આપવા જઈ શકો છો એટલે થોડો સમય કાઢીને પણ મત આપીને જ અન્ય કામ કરવા જોઈએ.
લોકસભાની ચૂંટણી સંદર્ભે વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હોમ વોટિંગની સુવિધા અંતર્ગત વૃદ્ધ અને અશક્ત નાગરિકોનું મતદાન કરાવવા તંત્ર કામે લાગી ગયું છે. પ્રથમ વખત મતદાન કરનારાઓ માટે ‘વોટિંગ ઈઝ અ ન્યૂ કુલ’ સૂત્ર સાકાર કરવા માટે તંત્ર દ્વારા કૉલેજ કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી રહી છે. મતદારોને મતદાન અંગે પ્રેરિત કરવા માટે શાળાઓ દ્વારા રેલીઓ યોજવામાં આવે છે. મોક ચૂંટણી મથક ઊભા કરીને મતદાનની પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે તો ક્યાંક ક્યાંક મતદાન જાગૃતિનાં સૂત્ર અને બેનર્સ પણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવે છે. ક્યાંક ક્યાંક સમૂહ લગ્ન જેવા પ્રસંગોમાં મતદાન કરવા માટે સામૂહિક શપથ પણ લેવડાવવામાં આવે છે તો વળી કોઈ વાલી પોતાના સંતાનોના લગ્નની કંકોત્રીઓમાં પણ મતદાન કરવાની અપીલ કરતા જોવા મળે છે.
લોકશાહીના આ અવસરમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ ઝુંબેશ અંતર્ગત ‘દસ મિનિટ દેશ માટે’ જેવા નાટકોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. ‘તમારા મતદાન મથકને જાણો’ જેવા કાર્યક્રમો દ્વારા મતદાન મથકની મુલાકાત કરવા માટેનું પણ આયોજન થાય છે…
અશક્ત કે સિનિયર મતદાર માટે પાર્કિંગની પ્રાથમિકતા, વ્હિલ ચેર, સ્વયંસેવક સહાયતા સાથે અલગ કતારનું ઈત્યાદિનું આયોજન થાય છે.
મતદાર માહિતી કાપલીમાં મતદાન મથકનું સંપૂર્ણ એડ્રેસ આપવામાં આવ્યું જ હોય છે તેમ છતાં આ વખતે ક્યુઆર કોડ પણ છાપવામાં આવ્યો છે, જેથી મતદાર પોતાનું મતદાન મથક સરળતાથી શોધી શકે.
આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાં મતદારોને આકર્ષવા અલગ અલગ પ્રકારની સ્કીમ પણ જાહેર કરવામાં આવી રહી છે. કોઈ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ લેનારને અમુક ટકા વળતર આપવામાં આવશે તો, કોઈ રેસ્ટૉરન્ટમાં જમવા જનારને અમુક ટકા વળતર આપવામાં આવશે. અમુક શોપિંગ મોલમાંથી ખરીદી કરવાથી ખરીદી પર અમુક ટકા વળતર આપવામાં આવશે એવી અવનવી જાહેરાતો દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રયત્નો થઈ રહ્યા છે,જે જનજાગૃતિ માટે આવકાર્ય પણ છે.
તમારો મત તમારો અધિકાર છે તો તમે એનો સદુપયોગ કરી એક ઉત્તમ નાગરિકને શોભે એવું કાર્ય કરી શકો છો.