ઈન્ટરવલ

માલદીવ બની રહ્યું છે ભારત માટે માથાનો દુખાવો

પ્રાસંગિક – અમૂલ દવે

ચીનના સમર્થક એવા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના પક્ષને સંસદમાં બહુમત મળ્યા પછી એ વધુમાં વધુ ભારત વિરુદ્ધ વલણ અપનાવતા જાય છે
માલદીવમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં મોહમ્મદ મુઈઝુની પાર્ટી ‘પીપલ્સ નેશનલ કૉંગ્રેસ’ એ મોટી જીત મેળવી છે. મુઇઝુની જીતને એની નીતિ પર મંજૂરીની મહોર તરીકે જોવામાં આવી રહી છે. મહત્ત્વની વાત એ છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ચીનના સમર્થક છે, તેથી એમની પાર્ટીની જીતને ભારત માટે આંચકો માનવામાં આવી રહ્યો છે. મુઈઝુની ‘પીપલ્સ નેશનલ કોંગ્રેસ’ પાર્ટીએ ૯૩માંથી ૬૬ સીટ જીતી છે. માલદીવની વિપક્ષી પાર્ટી ‘માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી’ એ માત્ર ૧૨ સીટ પર વિજય મેળવ્યો છે. સત્તાધારી પાર્ટી પીએનસીની મોટી જીત બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુનો હવે ત્યાંની સંસદ મજલિસમાં પણ દબદબો હશે..અગાઉ એમના પક્ષના ફક્ત ત્રણ સંસદસભ્યો સંસદમાં હતા અને વિરોધ પક્ષના ૬૫ સંસદસભ્યો હતા. માલદીવમાં પ્રમુખશાહી લોકશાહી હોવા છતાં સંસદ પાસે અનેક અધિકાર હોય છે, જે પ્રમુખના માર્ગમાં અવરોધ ઊભા કરી શકે.

મોહમ્મદ મુઈઝુ સરકારે નિર્ણય લીધો હતો કે ભારતીય સેનાએ ટાપુ રાષ્ટ્ર છોડી દેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે એમણે ચીન સાથેના વ્યૂહાત્મક સંબંધોને કારણે આ નિર્ણય લીધો છે. મુઈઝુએ ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે આ ચૂંટણી એમની નીતિઓ પર જનમત તરીકે કામ કરશે. ભારતીય સૈનિકોને પરત મોકલવાના એમના નિર્ણય માટે પણ આ ચૂંટણી ઘણી મહત્ત્વની હતી. મુઈઝુએ ભારત વિરોધી ઘણા નિર્ણયો લીધા છે. એમણે પીએમ મોદી વિશે પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

આજના વૈશ્ર્વિક રાજકારણમાં હિન્દી મહાસાગરમાં માલદીવના ચાવીરૂપ સ્થાનને લીધે તે ભારત માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે. પીએમસીના વિજયને લીધે ચીનને આનંદ થાય એ સ્વાભાવિક છે.
સપ્ટેમ્બર ૨૦૧૮માં પ્રમુખપદની ચૂંટણીમાં મુઈઝુએ એમના ભારત તરફી હરીફ અબદુલ્લા યામીન્ને કારમો પરાજય આપ્યો હતો. ૨૧ એપ્રિલે થયેલી સંસદની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ મુઈઝુની તાકાત અમર્યાદિત થશે. એમના પર કોઈની લગામ નહીં હોય.

આમ તો મજલિસે તો એમના ત્રણ પ્રધાનનાં નામ પર મહોર લગાડવાની ના પાડી દીધી હતી. વિરોધ પક્ષે એમના પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીને એમની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની માગણી કરી હતી.

જો કે, હવે સંસદમાં એમની બહુમતી આવતા આ હિલચાલ કોલ્ડ સ્ટોરેજ -શિતાગારમાં મુકાઈ જશે.

મુઇઝુ પ્રમુખ બન્યા ત્યારથી જ એમણે પોતાનો ચીનપ્રેમ દાખવાનો શરૂ કર્યો હતો. અગાઉ એવી પરંપરા હતી કે જે પણ પ્રમુખ બને એ સૌથી પહેલા ભારતની મુલાકાત લેતા, પરંતુ એમણે ચીન જવાનું પસંદ કર્યું હતું. ભારતના લશ્કરને માલદીવમાંથી પાછા મોકલવાની જાહેરાત પણ એમણે ચૂંટણી દરમિયાન કરી હતી. પ્રમુખપદે બિરાજમાન થયા બાદ તરત જ
એમણે તેનો અમલ કર્યો હતો.

ચીનની મુલાકાત લઈને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે સંરક્ષણ કરાર કર્યો છે. માલદીવ ચીનના જહાજને પોતાના પ્રદેશમાં આવવાની
છૂટ આપીને ચીનને ભારતની જાસૂસી કરવાની તક આપી છે.

માલદીવ બે રીતે ભારતને માટે ખતરો અને મુશ્કેલી ઊભી કરે છે. ત્યાંના લોકોમાં મુસ્લિમ કટ્ટરવાદ વધતો જાય છે અને તેના પ્રમુખે ‘ઈન્ડિયા આઉટ’ની ઝુંબેશ શરૂ કરી છે.

ભારત પર માલદીવથી આતંકવાદી હુમલો થાય એવું જોખમ પણ વધતું જાય છે. બીજું, માલદીવને માધ્યમ બનાવીને ચીન તેના બદઈરાદા અને ખરાબ મનસૂબાને અમલમાં મૂકી શકે. ભારત સરકારે આ જોખમોને પહોંચી વળવા ચાણકયપણું દાખવવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button