હેન્રી શાસ્ત્રી
નાતાલમાં મિચ્છા મિ દુક્કડમ્
પર્યુષણ પર્વ વખતે જાણતાં-અજાણતાં આપણાથી થયેલી ભૂલો અંગે પશ્ર્ચાત્તાપ વ્યક્ત કરવા ‘મિચ્છા મિ દુક્કડમ્’ કરવામાં આવે છે. જોકે સાઉથ અમેરિકાના પેરુ નામના દેશમાં નાતાલના દિવસે (૨૫ ડિસેમ્બરે) મુક્કો મારી કે ફેંટ લગાવી જૂની અદાવતની પતાવટ કરી નવા વર્ષના પ્રારંભ પહેલાં પાટી કોરી કરવાનો અનોખો રિવાજ છે. અનેક પેઢીઓથી ચાલી આવતી આ પ્રથા તાકાનાક્યુ (એકબીજાને મુક્કા મારવા) તરીકે ઓળખાય છે. પેરુના ન્યાયતંત્રના વિકલ્પ તરીકે અસ્તિત્વ ધરાવતી આ પદ્ધતિમાં બે પક્ષ મુક્કા ઉછાળી પારિવારિક, રોમેન્ટિક અને જમીન સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવાની કોશિશ કરે છે. ખુલ્લા મેદાનમાં હાજર રહેલા દર્શકો ગીત ગાઈ, નાચીને ચિયર અપ કરી પતાવટ કરવા ઊતરેલા લોકોને પોરસ ચડાવતા હોય છે. આ ‘લડાઈ’ મુખ્યત્વે બે પુરુષ વચ્ચે જોવા મળતી હોય છે, પણ ક્યારેક સન્નારીઓ પણ ફેંસલો કરવા હાજર હોય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ મુકાબલામાં હાથના મુક્કા અને લાતમલાત થતી હોય છે, કોઈ હથિયાર નહીં અને શરીરના બીજા કોઈ અવયવનો ઉપયોગ નહીં. જો કોઈ વ્યક્તિને લોહી નીકળે, ભોંય ભેગી થાય કે સ્વબચાવ કરી શકે એમ ન હોય તો ‘લડાઈ’ અટકાવી દેવામાં આવે છે.
—
પંચાવન વર્ષે પાકીટનું પુનરાગમન
અજબ દુનિયાની ગજબ વાતમાં આજનો આ કિસ્સો વટથી બિરાજે એવો છે. યુએસએના વેસ્ટ વર્જિનિયા રાજ્યની એક મહિલાને સ્કૂલ ડાન્સના કાર્યક્રમમાં ખોવાયેલું પર્સ ૫૫ વર્ષ પછી પાછું મળ્યું છે. શેરોન ડે નામની ૭૧ વર્ષની મહિલાએ જણાવ્યું કે ૧૯૬૮માં ૧૬ વર્ષની ઉંમરે તેનું પાકીટ ખોવાઈ ગયું હતું અને એ પાછું મળશે એવી આશા તેણે વર્ષો પહેલાં છોડી દીધી હતી. જોવાની વાત એ છે કે ૨૦૧૯માં શેરોનની એ સ્કૂલ કાયમ માટે બંધ કરવામાં આવી હતી. સ્કૂલ બિલ્ડિંગને રિનોવેટ કરી ત્યાં અપાર્ટમેન્ટ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ દરમિયાન કામકાજ કરતી વખતે અચાનક એક ડક્ટમાંથી વોલેટ બહાર પડતાં કામ કરતા લોકોને આશ્ર્ચર્ય થયું હતું. રિનોવેશન કરતી એજન્સીના માલિકના કહેવા અનુસાર વર્ષોથી સીલ કરી દેવાયેલા ડક્ટમાંથી ઘણી ખોવાયેલી વસ્તુ મળી આવી હતી. વોલેટમાં નામ, ફોટોગ્રાફ અને સોશિયલ સિક્યોરિટી કાર્ડ નજરે પડતાં એજન્સીના માલિકે એ વોલેટના માલિકને શોધી કાઢવાનું નક્કી કર્યું. ફેસબુક પર એક અઠવાડિયા સુધી શોધખોળ કર્યા પછી શેરોન ડેને શોધી કાઢવામાં સફળતા મળી. સ્વપ્નેય કલ્પના નહોતી એ વસ્તુ મળી જતાં શેરોનજી તો રાજીનાં રેડ થઈ ગયાં છે.
—
પથારીમાં પડ્યા પડ્યા પગાર
રાતનો ઉજાગરો હોય, કામ કંટાળાજનક લાગતું હોય એવી પરિસ્થિતિમાં જો ઓફિસમાં લાંબા થયા તો બોસની લાંબી લાંબી સાંભળવી પડે. હેરત પમાડનારી વાત એ છે કે અમેરિકન અવકાશ સંસ્થા નાસાએ નોકરીની એક એવી ઓફર આપી છે જે જાણીને અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. અવકાશી સંશોધનમાં અગ્રેસર ગણાતી આ સંસ્થા દ્વારા પથારીમાં પડ્યા પડ્યા પગાર પામવાની તક આપવામાં આવી છે. ક્ષણિક એવો વિચાર આવી શકે કે નાસાની બુદ્ધિ નાઠી કે શું? પણ નાસાની સાન ઠેકાણે છે. વાત એમ છે કે નાસાએ આર્ટિફિશિયલ ગ્રેવિટી (કૃત્રિમ ગુરુત્વાકર્ષણ) પર સંશોધન કરવાનો નિર્ણય લીધો હતો. આ કામ માટે એવા કેટલાક લોકોની ભરતી કરવામાં આવી હતી જેમનું કામ બે મહિના સુધી પથારીમાં પડ્યા રહેવાનું હતું. આ સમય દરમિયાન નાસાના અધિકારીઓ સતત તેમના પર નજર રાખી જરૂરી માહિતી એકઠી કરી રહ્યા હતા. એમનો સમય પૂરો થયો ત્યારે રજા આપતાં પહેલાં બિસ્તર પર પડી રહેવા માટે તેમને પગાર પેટે ૧૮,૫૦૦ અમેરિકન ડોલર (આશરે ૧૫ લાખ રૂપિયા) ચૂકવવામાં આવ્યા હતા. કેવી મજ્જાની નોકરી એવો વિચાર જો આવ્યો હોય તો જાણી લો કે ૬૦ દિવસ સુધી પથારીમાં પડ્યા રહેવું અને મોટા ભાગની પ્રવૃત્તિ સૂતાં સૂતાં કરવી સહેલું નહોતું. સૂતી વખતે માથાને છ ડિગ્રી નમાવીને રાખવાનું અને ખાણીપીણી અને ટોઈલેટની વિધિ પણ આ અવસ્થામાં જ પાર પાડવાની. મનોબળ મક્કમ હોય એ જ લોકો આ જવાબદારી નિભાવી શકે. ટૂંકમાં આરામ આસાન નહોતો.
—
અબ તેરા ક્યા હોગા કાલિયા!
‘શોલે’ના અમર ડાયલોગનો પડઘો કાનપુરમાં સાંભળવા મળ્યો. ફરક એટલો હતો કે ફિલ્મનું નામ હતું ‘એક બંદર જેલ કે અંદર.’ ગમ્મત કરાવનારી વાત એમ છે કે ચર્મ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ કાનપુરના પ્રાણી સંગ્રહાલયના કાલિયા નામના વાનરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સંગ્રહાલયના વરિષ્ઠ અધિકારીએ આપેલી માહિતી અનુસાર કેટલાંક વર્ષ પહેલાં કોઈ તાંત્રિકે આ વાનરને પાળ્યો હતો અને ભોજનમાં માંસ અને દારૂ આપતો હતો. આવા ખોરાકના સેવનથી વાનર સ્વભાવે હિંસક બની ગયો અને બાળકો તેમ જ મહિલાઓમાં આતંક ફેલાવ્યો હતો.
અનેક પ્રયાસ પછી પ્રાણી સંગ્રહાલયના કર્મચારી વાનરને પકડવામાં સફળ રહ્યા અને એને બંદીવાન બનાવી અલગ રાખવામાં આવ્યો હતો. કાનપુરના સંગ્રહાલયમાં બીજા પણ તોફાની વાનર છે જે હવે ડાહ્યા થઈ ગયા હોવાથી તેમને છોડી મૂકવામાં આવશે, પણ સજા પછી પણ કાલિયાનાં કરતૂતો ઘટ્યાં નથી અને એટલે એને ઉમર કેદની સજા ફટકારવામાં આવી છે. વાનર ઘરડો થાય પણ ગુલાંટ મારવાનું ક્યારેય ન ભૂલે એ કહેવતના ભાવાર્થનો સાક્ષાત્કાર એક વાનરે જ કરાવ્યો છે.
—
નેત્રહીનોની આંખ અવતરી
આજે ૪ જાન્યુઆરી. આંખની દૃષ્ટિ ગુમાવી દેનારા લોકોના અંધકારમય જીવનમાં આજનો દિવસ પ્રકાશનું કિરણ સાબિત થયો. ફ્રેન્ચ શિક્ષણશાસ્ત્રી લુઈ બ્રેઇલનો જન્મ ૧૮૦૯માં આજ રોજ પેરિસમાં થયો હતો. તેમણે વિકસાવેલી લખાણ અને છાપકામની વિશિષ્ટ પદ્ધતિ આજે ૨૧૪ વર્ષ પછી પણ નેત્રહીનો અનુસરી વ્યાવહારિક દુનિયાનાં અનેક કામ મુશ્કેલી વિના પતાવી શકે છે. આ પદ્ધતિ બ્રેઇલ લિપિ તરીકે જાણીતી છે. હિન્દી ફિલ્મ સંગીતમાં ક્રાંતિ લાવનાર રાહુલ દેવ બર્મનની આજે પુણ્યતિથિ છે. ‘તીસરી મંઝિલ’થી ઉત્તરોત્તર નવી મંઝિલ સર કરનાર આરડીના સંગીતે રસિકોને મંત્રમુગ્ધ કર્યા છે અને કરતું રહેશે. ૧૯૪૮માં આજરોજ મ્યાનમાર (જૂનું નામ બર્મા) સ્વતંત્ર થયું હતું. આંતરરાષ્ટ્રીય સાહિત્ય જગતના બે મૂઠી ઊંચેરા સર્જક ફ્રેન્ચ નવલકથાકાર અને નાટ્ય લેખક આલ્બર્ટ કામુ અને આધુનિક કવિતાના પ્રહરી અમેરિકન – ઈંગ્લિશ કવિ ટી. એસ. ઇલિયટ અનુક્રમે ૧૯૫૭ અને ૧૯૨૨માં આજરોજ અવસાન પામ્યા હતા. વિશ્ર્વ પ્રવાસીઓ માટે અનોખું આકર્ષણ સાબિત થયેલી સયુંક્ત આરબ અમીરાતના દુબઈની બુર્જ ખલીફા ઈમારત ૨૦૧૦માં આજ રોજ જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.