ગુજરાતમાં કાળઝાળ ગરમી, માત્ર 26 દિવસમાં હીટસ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ
અમદાવાદ: ગુજરાતમાં બળબળતા બપોરે તેનો કહેર વરસાવવાનું શરૂ કર્યું છે, સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, હવામાન વિભાગે પણ હીટ સ્ટ્રોકને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ અસહ્ય ગરમી જીવલેણ પણ બની શકે છે. તાપમાનમાં વધારો થતા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
આ દરમિયાન હવામાન વિભાગે ફરીથી ગરમી પડવાની આગાહી કરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહ્યો છે. હજુ વધુ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે, ત્યારે જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં માત્ર 26 દિવસમાં જ 108 એમ્બ્યુલન્સને હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કૉલ્સ મળ્યા છે.
સ્વાભાવિક છે કે જયારે તાપ સૌથી વધુ હોય ત્યારે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હીટ સ્ટ્રોકની સંભાવના વધી જાય છે. પણ 108ની ટીમે તેમને આવતા કોલ્સ પરથી એક એનાલિસીસ કર્યું છે. પણ આ એનાલિસીસમાં જે વાત સામે આવી છે એ જાણીને નવાઈ લાગશે.
108 એમ્બ્યુલન્સને મળેલા હીટ સ્ટ્રોકના 335 ઇમરજન્સી કેસમાંથી 235 કેસ હાઈગ્રેડ ફીવરના હતા. જયારે પેટનો દુખાવો અને ઝાડા-ઊલટીના 12 કેસ અને ડીહાઈડ્રેશનના 11 કેસ નોંધાયા હતા.
રાજ્યની 108ની ટીમના એનાલિસીસ પ્રમાણે આખા દિવસમાં સાંજે 6 વાગે સૌથી વધુ 50 કેસ નોંધાયા હતા, જયારે સવારે 8 વાગે 41 અને સાંજે 8 વાગે 37 કેસ નોંધાયા અને રાતે 10 વાગે 34 કેસ આવ્યા હતા. પરંતુ સવારે 10 વાગે 33 કેસ નોંધાયા જયારે બપોરે 12 વાગે 34 કેસ, 2 વાગે 27 કેસ અને 4 વાગ્યે 24 કેસ નોંધાયા હતા.