ઉત્તર પ્રદેશમાં એમડી બનાવવાના કારખાના પર કાર્યવાહી: સાત આરોપી ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના આઝમગઢ ખાતે આવેલા મેફેડ્રોન (એમડી) ડ્રગ બનાવવાના કારખાના પર કાર્યવાહી સાત આરોપીની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ સંદીપ તિવારી ઉર્ફે ડૉક્ટર, લલિત ઉર્ફે સોનુ પાઠક, અનિલ જયસ્વાલ, નીલેશ પાંડે, વિજય પાલ, બિંદુ ઉર્ફે જિલાજીત જોખઈ પટેલ અને દિલીપ જયસ્વાલ તરીકે થઈ હતી. પકડાયેલો આરોપી સંદીપ ઉર્ફે ડૉક્ટર આ કેસના આરોપીઓને એમડી પાઉડર બનાવવા માટે કેમિકલના મિશ્રણની ફોર્મ્યુલા તૈયાર કરી આપતો હતો, એવું તપાસમાં જણાયું હતું.
આપણ વાંચો: Prajwal Revanna Sex Scandal: પ્રજ્વલ રેવન્ના સામે JDSની મોટી કાર્યવાહી, પાર્ટીમાંથી સસ્પેન્ડ
અધિકારીના જણાવ્યા મુજબ થાણેની કાસારવડવલી પોલીસે 15 ગ્રામ એમડી જપ્ત કરી સાત આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પાલ અને બિંદુનાં નામ સામે આવ્યાં હતાં. ક્રાઈમ બ્રાન્ચ પાલ અને બિંદુની શોધ ચલાવી રહી હતી ત્યારે બન્ને જણ આઝમગઢમાં એમડી બનાવવાનું કારખાનું ધરાવતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
માહિતીને આધારે થાણે પોલીસે બનારસ એસટીએફની મદદથી કારખાના પર કાર્યવાહી કરી એમડી, ડ્રગ્સ બનાવવાનું કેમિકલ અને અન્ય સાધનો મળી અંદાજે 20.18 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીની ધરપકડ કરી 48 કરોડની મતા જપ્ત કરાઈ હોવાનું પોલીસનું કહેવું છે.