નહેરુ – ગાંધી પરિવારની ત્રણ પેઢીએ દેશ માટે ભોગ આપ્યો છે: પવાર
પુણે: રાહુલ ગાંધીને ‘શેહઝાદા’ (રાજકુંવર) કહેવા બદલ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ – એનસીપી (એસપી)ના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે નહેરુ – ગાંધી પરિવારની ત્રણ પેઢીએ દેશ માટે ભોગ આપ્યો છે.
જુન્નરમાં પક્ષના ઉમેદવારની ચૂંટણી સભા સંબોધતી વખતે પવારે જણાવ્યું હતું કે ‘આકરી ગરમી પડી રહી છે એવા વાતાવરણમાં પણ સામાન્ય માનવીની પીડા – તકલીફ સમજવાનો પ્રયાસ કરતા પ્રવાસ કરવા બદલ રાહુલ ગાંધીની પ્રશંસા કરવી જોઈએ. વડા પ્રધાનને એની પણ જાણ હોવી જોઈએ કે કે જે રાહુલ ગાંધીને તેમણે શેહઝાદા કહ્યો છે એની ત્રણ પેઢીએ દેશ માટે જાન ન્યોછાવર કર્યા છે.
આઝાદી પહેલા જવાહરલાલ નહેરુને 13 વર્ષની જેલની સજા થઈ હતી. ત્યાર બાદ દરેક ક્ષેત્રમાં કામ કરી તેમણે દેશનો વિકાસ કરી લોકશાહી શાસન સ્થાપ્યું હતું. રાહુલ ગાંધીનાં દાદી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ગરીબી દૂર કરવા અથાક પ્રયત્નો કર્યા હતા.
તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજીવ ગાંધીએ આધુનિકરણ કર્યું અને બૉમ્બ વિસ્ફોટમાં તેઓ માર્યા ગયા હતા. ત્રણ પેઢીના આવા યોગદાન પછી મોદી રાહુલને ‘શેહઝાદા’ કહે છે.