બે યુવકે દુષ્કર્મ કરતાં સગીરાએ બે બાળકને જન્મ આપ્યો: વડીલો સહિત 16 વિરુદ્ધ ગુનો
પાલઘર: નાલાસોપારામાં લગ્નની લાલચે બે યુવકે કથિત દુષ્કર્મ કરતાં 17 વર્ષની સગીરાએ બે બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી હતી. એક બાળકને વેચવાનો પ્રયાસ પણ કરાયો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાતાં પોલીસે વડીલો, બે ડૉક્ટર અને એક વકીલ સહિત 16 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આચોલે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે નાલાસોપારા વિસ્તારમાં રહેતી સગીરાની ફરિયાદને આધારે રવિવારે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ હાથ ધરવામાં આવી હોઈ અમુક લોકોને પૂછપરછ માટે તાબામાં લેવામાં આવ્યા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર સગીરા સાથે 2021થી કથિત દુષ્કર્મ કરવામાં આવતું હતું. પહેલાં એક યુવકે વારંવાર દુષ્કર્મ કરતાં સગીરા ગર્ભવતી બની હતી. પછી લગ્નની લાલચે બીજા યુવકે બળાત્કાર ગુજારતાં સગીરાએ બીજા સંતાનને જન્મ આપ્યો હતો. સગીરાએ અલગ અલગ સમયે બે બાળકને જન્મ આપ્યો હતો અને બન્ને આરોપીએ સગીરાને બાળક સાથે છોડી દીધી હતી.
આપણ વાંચો: ઓળખ છુપાવી હિંદુ વિધવા સાથે દુષ્કર્મ આચરનારા વિધર્મીને રાજકોટ પોલીસે ઝડપ્યો
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં એક આરોપી તેને અમરાવતી લઈ ગયો હતો, જ્યાં ઓળખ છુપાવી સગીરાને એક હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. સગીરાએ બાળકને જન્મ આપતાં બન્નેને છોડી આરોપી રફુચક્કર થઈ ગયો હતો.
સગીરાના વડીલો સહિત આઠ આરોપીએ દુષ્કર્મ કરનારા એક યુવક પાસેથી મદદરૂપ થવાને બહાને ચાર લાખ રૂપિયા પડાવ્યા હતા. બદલામાં સગીરાની બાળકીને વેચવા માટે એક શખસને આપી દેવામાં આવી હતી. આ કેસમાં સગીરાની ડિલિવરી કરાવનારી હૉસ્પિટલની બે મહિલા ડૉક્ટર અને એક વકીલ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે 16 જણ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376, 376(2)(એન), 317, 363, 372 અને 34 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. એ સિવાય પોક્સો અને જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો. (પીટીઆઈ)