ગુજરાતના ૨૬૬ લોકસભા ઉમેદવારો માંથી આટલા ઉમેદવારો સામે નોંધાયેલા છે ગુનાઓ !
ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના 266 ઉમેદવારોમાંથી 36 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે અને તેમાંથી કેટલાક સામે હત્યાના પ્રયાસ અને લૂંટના આરોપો પણ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. ADR એ ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા ઉમેદવારીપત્ર અને સોગંદનામામાં આપવામાં આવેલી માહિતીના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું છે.
ADRનાં ગુજરાતના સંયોજક પંકતી જોગે પત્રકારોને જણાવ્યું હતું કે “સોગંદનામામાં આપવામાં આવેલી માહિતી મુજબ, 266 ઉમેદવારોમાંથી 36 એટલે કે 14 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 21 ઉમેદવારો એટલે કે આઠ ટકા સામે ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા છે.” તેમણે કહ્યું કે ગંભીર અપરાધિક કેસો કે જેમાં મહત્તમ સજા પાંચ વર્ષ કે તેથી વધુ હોઈ શકે છે. આ કેસો બિનજામીનપાત્ર છે અને તેમાં હત્યા, બળાત્કાર, અપહરણ, લાંચ, હુમલો, મહિલાઓ સામેના ગુનાઓ, ઉગ્ર ભાષણનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુનાઓ સાથે સંબંધિત છે.
આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
એડીઆરના ડેટા અનુસાર મુખ્ય પક્ષોમાં, ભાજપના 25 ઉમેદવારોમાંથી ચાર કે 15 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ છે, જેમાં બે પર ગંભીર આરોપો છે, કોંગ્રેસના 23 ઉમેદવારોમાંથી છ અથવા 26 ટકા, તેમની સામે ફોજદારી કેસ છે, જેમાંથી ત્રણ ગંભીર આરોપો છે. વલસાડ અને ભરૂચ બેઠક પરથી અનુક્રમે ચૂંટણી લડી રહેલા આદિવાસી નેતા અનંત પટેલ અને દિલીપ વસાવા સામે હત્યાના પ્રયાસના આરોપમાં કેસ ચાલી રહ્યા છે. પટેલ કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે વસાવા ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર છે.
ભરૂચ લોકસભા બેઠક ઓઅરથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા અને અપક્ષ ઉમેદવાર ઈસ્માઈલ પટેલ બંને પર ૧૩-૧૩ ગુનાઓ નોંધાયેલા છે.