આ વર્ષે થાણે ચોમાસામાં ડૂબશેઃ આટલી જગ્યાએ પાણી ભરાવાનું જોખમ…
મુંબઈ: આ મોન્સૂનમાં થાણે મહાપાલિકાની હદમાં સૌથી વધુ પાણી ભરાવાનાં છે. પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં આ માહિતી સામે આવી હતી. શહેરમાં અંદાજે ૩૩ ઠેકાણે પાણી ભરાવાનું જોખમ છે અને એમાં સૌથી વધુ ફટકો દીવાવાસીઓને પડવાનો છે, એવું પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું. દરમિયાન ગયા વર્ષે મોન્સૂનમાં ૧૪ ઠેકાણે પાણી ભરાયાં હતાં, જે આ વર્ષે વધીને બમણાં કરતાં પણ વધુ હોવાનું જાણવા મળે છે.
દર વર્ષે મોન્સૂનમાં થાણે પાલિકા ક્ષેત્રમાં વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં હોય છે. આને કારણે નાગરિકોને નાહકનો ત્રાસ વેઠવો પડતો હોય છે. ગયા વર્ષે મોન્સૂનમાં ૧૪ જગ્યાએ પાણી ભરાયાં હતાં, જે આ વર્ષે વધીને ૩૩ જગ્યાએ ભરાશે, એવું પાલિકાએ કરેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું હતું. આ તમામ વિસ્તાર નીચાણવાળા હોવાને કારણે અહીં પાણી ભરાતાં હોવાનો દાવો પાલિકાએ કર્યો હતો. સ્માર્ટ થાણે આ મોન્સૂનમાં ડૂબવાનું હોવાનું પાલિકાએ કરેલા સર્વેક્ષણ પરથી જાણવા મળી રહ્યું છે.
આપણ વાંચો: થાણેમાં એકનાથ શિંદેનું જોરદાર શક્તિપ્રદર્શન
કયા ઠેકાણે પાણી ભરાઈ શકે છે
શહેરમાં જે વિસ્તારમાં મોન્સૂન દરમિયાન પાણી ભરાવાની શક્યતા રહેલી છે એમાં રામ મારુતિ રોડ, ગોખલે રોડ, ગડકરી રંગાયતન, સેટિસ પુલ, માસુંદા તળાવ, વંદના ટોકીઝ, ગાયમુખ હાઈવે, વિટાવા રેલવે પુલની નીચે, શિવાજી નગર, બાબનાની પાર્ક, મારુતિ રોડ, સાબે ગાંવ, ડાયઘર, કાશીનાથ ચોક, ચવ્હાણ ચાલ અને વૃંદાવન-શ્રીરંગ સોસાયટીનો સમાવેશ થાય છે.
પાણી ભરાતાં હોવાનાં આ છે કારણો
જોકે સ્માર્ટ સિટી થાણેમાં પાણી ભરાવાનાં અનેક કારણો સામે આવ્યાં છે. શહેરમાં ગેરકાયદે બાંધકામ વધી ગયું હોવાને કારણે જમીનનું સપાટીકરણ થતું હોવાનું દેખાતું નથી. આને કારણે પાણી ભરાઈ જતાં હોય છે. શહેરમાં અમુક ઠેકાણે મોટા પ્રમાણે નીચાણવાળા વિસ્તાર વધી ગયા છે. કુદરતી નાળાં ગેરકાયદે પદ્ધતિથી પૂરી દેવામાં આવ્યાં છે. દીવામાં ચાલી ઊભી કરવામાં આવી હોઇ ગંદું પાણી અને ડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવી નથી.