આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

જામનગરના ધ્રોલમાં ક્ષત્રિયોએ પૂનમ માડમનો હુરિયા બોલાવ્યો, 100થી વધુ યુવાનોની અટકાયત

જામનગર: રાજકોટ સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના બફાટ બાદ શરૂ થયેલો વિવાદ સતત વકરી રહ્યો છે. ભાજપના નેતાઓ માટે ક્ષત્રિય આંદોલન માથાના દુખાવા સમાન બન્યું છે, ભાજપની નેતાગીરીના અનેક પ્રયત્નો છતાં આ વિવાદ સમવાનું નામ લેતો નથી. ઊલટાનો વિવાદ વકરતો જાય છે. ખાસ કરીને જામનગરમાં સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જામજોધપુર કાલાવડ નવાગામ ઘેડ બાદ ગતરોજ ધ્રોલમાં પૂનમબેનના રોડ શો અને સભામાં ક્ષત્રિયોએ વિરોધ કર્યો હતો.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો અને સભા યોજાઈ હતી. આ રોડ શો દરમિયાન ધ્રોલના નગરના નાકા પાસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિયો યુવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. ‘ભાજપ હાય હાય’, ‘રૂપાલા હાય હાય’, ‘પૂનમબેન હાય હાય’ના નારા લગાવ્યા હતા.

ધ્રોલમાં પૂનમબેનની રેલીમાં ક્ષત્રિય યુવાનો ધસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, ક્ષત્રિય યુવાનો સભા સ્થળે ઘૂસી ગયા હતા અને ‘રૂપાલા’ હાય હાયના નારા લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સભામાં ધસી આવીને પણ ઉગ્ર સૂત્રોચાર સાથે કાળા વાવટા ફરકાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ જેથી પોલીસે 100થી વધુ યુવાનોની અટકાયત કરી હતી. ગતરોજ સમગ્ર ધ્રોલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

આપણ વાંચો: પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ હવે MP પહોંચ્યો, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાએ આપી આ ચેતવણી

ધ્રોલમાં યોજાયેલી પૂનમબેનની રેલીમાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં ક્ષત્રિય સમાજના યુવકો સભા સ્થળે અને રેલીમાં ઘૂસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ક્ષત્રિય યુવાનો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ગાડી સુધી પણ ધસી આવ્યા હતા.

આ રોડ શો દરમિયાન જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી દેવધા, શહેર ડીવાયએસપી જે.વી ઝાલા, સહિત એલસીબી પોલીસ અને એસ ઓ જી ની ટીમો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી હતી છતાં ક્ષત્રિય યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ધ્રોલ ખાતે પૂનમબેન માડમની જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા અને ધ્રોલ સંગઠનના તમામ હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button