કોલકાતા: બૅટિંગ-પાવરહાઉસ તરીકે જાણીતી દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ વચ્ચે આજે ઈડન ગાર્ડન્સમાં મોટો જંગ છે. આઇપીએલની 2024ની સીઝનનો આ 47મો મુકાબલો છે જે મોટો બની શકે અને એનું કારણ એ છે કે ઈડનમાં દસમાંથી આઠ ઇનિંગ્સમાં 200 કે 200-પ્લસ રન બન્યા છે એટલે આજની મૅચ પણ હાઈ-સ્કોરિંગ બની શકે. કોલકાતાની ટીમે છેલ્લી ત્રણ મૅચમાં 220થી વધુ રન બનાવ્યા છે. જોકે દિલ્હીના છેલ્લી ત્રણમાંથી બે મૅચમાં 220-પ્લસ છે.
દિલ્હીની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયેથી ઉપર આવતી ગઈ અને હવે 10 પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. દિલ્હી જો આજે કોલકાતા સામે જીતી જશે તો એની હૅટ-ટ્રિક જીત કહેવાશે અને એ સાથે એના 12 પૉઇન્ટ થશે અને રાજસ્થાન રૉયલ્સ પછી બીજા નંબર પર આવી જશે. કોલકાતા બીજા નંબર પર છે અને આજે હારી જશે તો દિલ્હી એનું સ્થાન લેશે અને કોલકાતા નીચે ઉતરી જશે.
દિલ્હીને હવે વિજયપથ પર રોકવું કોલકાતા માટે મુશ્કેલ છે, કારણકે રિષભ પંતની ટીમ છેલ્લી પાંચમાંથી ચાર મૅચ જીતી છે. બીજી તરફ, કોલકાતાની ટીમને પણ હરાવવી સહેલી નથી, કારણકે આખા પૉઇન્ટ્સ-ટેબલમાં તેની નેટ રનરેટ (+0.972) સર્વશ્રેષ્ઠ છે. હાઈએસ્ટ 16 પૉઇન્ટ ધરાવતા રાજસ્થાનનો રનરેટ (+0.694) પણ કોલકાતાથી નીચો છે.
બાવીસ વર્ષનો ઓપનર જેક ફ્રેઝર-મૅકગર્ક હાલમાં દિલ્હીને લાગલગાટ વિજય અપાવવામાં મોટું યોગદાન આપી રહ્યો છે. તેણે માત્ર પાંચ મૅચમાં 247 રન બનાવ્યા છે અને 237.50 તેનો સ્ટ્રાઇક-રેટ છે. કૅપ્ટન રિષભ પંતની પણ દિલ્હીના શ્રેણીબદ્ધ વિજયમાં મોટી ભૂમિકા છે. કુલ 371 રન સાથે તે દિલ્હીના બૅટર્સમાં મોખરે અને તમામ બૅટર્સમાં છઠ્ઠા નંબરે છે.
હેડ-ટૂ-હેડ મુકાબલામાં બન્ને ટીમ ઑલમોસ્ટ સરખી છે. 33માંથી 17 મૅચમાં કોલકાતા અને 15 મૅચમાં દિલ્હીની ટીમ જીતી છે. એક મૅચ વરસાદને કારણે રદ કરાઈ હતી.
આપણ વાંચો: પૂજા મુઝે ભી ઐસા હેર સ્ટાઈલ ચાહિયે… કોની હેર સ્ટાઈલનો દિવાનો થયો Sharukh Khan?
ઈડનની પિચ બૅટર્સ-ફ્રેન્ડ્લી છે. આ મેદાન પર રમાયેલી કુલ 91 મૅચમાંથી 37 મૅચમાં ફર્સ્ટ બૅટિંગ કરનારી ટીમ જીતી છે, જ્યારે 53 મૅચમાં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમે વિજય મેળવ્યો છે.
ફેસ-ટૂ-ફેસ ટક્કરમાં દિલ્હીના કુલદીપ યાદવની કોલકાતાના સુનીલ નારાયણ સામેની હરીફાઈ જોવા જેવી હશે. આઇપીએલમાં કુલદીપે નારાયણ સામે ત્રણ બૉલ ફેંક્યા છે અને એમાં બે બૉલમાં તેની વિકેટ લીધી છે. કુલદીપ અગાઉ કોલકાતાની ટીમમાં હતો. જોકે કોલકાતા સામે કુલદીપનો સફળતાનો બહુ સારો રેકૉર્ડ છે. કુલદીપે કોલકાતા સામે ત્રણ મૅચમાં 10 વિકેટ લીધી છે.
હજી ત્રણ જ દિવસ પહેલાં ઈડનમાં હાઈએસ્ટ સફળ રન-ચેઝનો વિશ્ર્વવિક્રમ રચાયો હતો. કોલકાતાએ આપેલો 262 રનનો લક્ષ્યાંક પંજાબે માત્ર બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. જૉની બેરસ્ટૉએ 48 બૉલમાં નવ સિક્સર અને આઠ ફોરની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા. શશાંક સિંહે આઠ સિક્સરની મદદથી અણનમ 68 રન બનાવ્યા હતા.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
દિલ્હી: પૃથ્વી શો/અભિષેક પોરેલ, જેક ફ્રેઝર-મૅકગર્ક, શાઈ હોપ, રિષભ પંત (કૅપ્ટન, વિકેટકીપર), ટ્રિસ્ટેન સ્ટબ્સ, કુમાર કુશાગ્ર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, લિઝાદ વિલિયમ્સ, મુકેશ કુમાર અને ખલીલ અહમદ. 12મો પ્લેયર: રસિખ સલામ.
કોલકાતા: ફિલ સૉલ્ટ, સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર (કૅપ્ટન), વેન્કટેશ ઐયર, રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, દુશમન્થા ચમીરા/મિચલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા. 12મો પ્લેયર: અનુકૂલ રૉય/સુયશ શર્મા.