I.N.D.I.A. ગઠબંધનની ફોર્મ્યુલા છે સહયોગી પક્ષને એક-એક વર્ષ વડા પ્રધાનપદ: મોદી
દાવણગેરે (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકમાં એવો દાવો કર્યો હતો કે I.N.D.I.A. ગઠબંધન દ્વારા એવી ફોર્મ્યુલા ઘડવામાં આવી છે કે તેઓ સત્તામાં આવશે તો દરેક સહયોગી પક્ષને એક -એક વર્ષ માટે વડા પ્રધાનપદ આપવામાં આવશે આવી વ્યવસ્થામાં દેશનું ભલું થવાની અપેક્ષા રાખી શકાય નહીં, એમ કહીને તેમણે લોકોને એવી અપીલ કરી હતી કે તમારો મત વેડફશો નહીં.
મેં એવું સાંભળ્યું છે કે I.N.D.I.A. ગઠબંધને નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે. જો દેશને કોઈના હાથમાં સોંપવો હોય તો આપણે તેને સોંપવા પહેલાં વિચાર કરવો જોઈએ કે નહીં? શું તમે મત ગમે તેને આપી દેશો? આપણે વિચારીશું કે શું એ વ્યક્તિ દેશને ચલાવવા માટે સક્ષમ છે કે નહીં. તેનો ટ્રેક રેકોર્ડ ચેક કરશો કે નહીં એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂછ્યું હતું.
I.N.D.I.A. ગઠબંધનને તેમણે એવો સવાલ કર્યો હતો કે નેતાઓમાંથી કઈ વ્યક્તિ કે નેતાને દેશની જવાબદારી સોંપવામાં આવશે? તમારી પાસે કોઈ નામ છે? શું તમે કોઈ નામ વગર આ લોકોને સ્વીકાર કરશો, જેઓ તમને અંધારામાં રાખવા માગે છે? શું દેશ તેમને સ્વીકાર કરશે?
તેમણે એવો દાવો કર્યો હતો કે તે લોકો એવા ફોર્મ્યુલા પર આવ્યા છે કે દરેકને ખુશ રાખવાના. જો તેમને પાંચ વર્ષ સરકાર ચલાવવાની જવાબદારી મળશે તો તેમણે સાથી પક્ષોને કહી રાખ્યું છે કે દરેકને એક-એક વર્ષ માટે વડા પ્રધાનપદ મળશે. આનો અર્થ એવો થયો કે એક વર્ષ, એક વડા પ્રધાન. બીજા વર્ષે બીજો, પછી ત્રીજો, ચોથો અને પાંચમો..
આવી સ્થિતિમાં દેશની હાલત શું થશે એવી ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે આવું થશે તો દેશને માટે સારું થશે એવું લાગે છે? તમે તમારા અને તમારાં સંતાનો માટે સારું ભાવિ જોઈ રહ્યા છો? શું તમે આવા કામ માટે તમારો મત વેડફી નાખશો? તમારો મત અત્યંત મૂલ્યવાન છે, તેને ભૂલેચૂકે પણ વેડફશો નહીં. (પીટીઆઈ)