નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી: પહેલા બે તબક્કામાં ફક્ત આઠ ટકા મહિલા ઉમેદવાર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં ચૂંટણી લડનારા કુલ 1,618 ઉમેદવારોમાંથી માત્ર આઠ ટકા મહિલા ઉમેદવારો હતા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ આંકડો લૈંગિક આધાર પર પૂર્વાગ્રહની ગંભીર સમસ્યા દર્શાવે છે અને મહિલા સશક્તિકરણની વાત પોકળ લાગે છે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 135 મહિલા ઉમેદવાર હતા, જ્યારે બીજા તબક્કામાં 100 મહિલા ઉમેદવાર હતા, એટલે કે પ્રથમ બે તબક્કામાં કુલ 235 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.

પ્રથમ તબક્કામાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં તમિલનાડુ ટોચ પર છે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 76 મહિલા ઉમેદવારો હતા, પરંતુ રાજ્યના કુલ ઉમેદવારોમાં તેમનો હિસ્સો માત્ર આઠ ટકા હતો, જ્યારે બીજા તબક્કામાં કેરળમાંથી સૌથી વધુ 24 મહિલા ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. પક્ષ મુજબ પ્રથમ બે તબક્કામાં કોંગ્રેસે 44 મહિલાઓને મેદાનમાં ઉતારી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 69 મહિલાઓને મેદાનમાં ઉતારી હતી.


આ લૈગિક અસાનતાની રાજકીય વિશ્લેષકો અને કાર્યકરોએ ટીકા કરી હતી. તેમનો પ્રશ્ન છે કે શા માટે પક્ષો સક્રિય રીતે મહિલાઓને ટિકિટ આપવાને બદલે મહિલા અનામત બિલના અમલની રાહ જોઈ રહ્યા છે. દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર સુશીલા રામાસ્વામીએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોએ મહિલા ઉમેદવારોની સંખ્યા વધારવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. “રાજકીય પક્ષોએ વધુ સક્રિય થવું જોઈએ અને વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા જોઈએ.


અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉક્ટર ઇફ્તિખાર અહમદ અંસારીએ જણાવ્યું હતું કે ભારતમાં કુલ મતદારોમાં મહિલાઓ લગભગ અડધી છે, તેથી ઉમેદવાર તરીકે તેમનું ઓછું પ્રતિનિધિત્વ એ રાજકીય ક્ષેત્રે મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી અટકાવતા અવરોધોને લઇને સવાલો ઉભા કરે છે. તેમણે વચનો આપવાના બદલે રાજકારણમાં મહિલાઓ માટે સમાન કાર્યક્ષેત્ર સુનિશ્ચિત કરવા માળખાકીય સુધારાના મહત્વ પર ભાર મૂક્યો અને મહિલાઓને પ્રોત્સાહન આપવામાં પક્ષના નેતૃત્વની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.


બીજુ જનતા દળ (બીજેડી) એકમાત્ર એવો પક્ષ છે જે નીતિગત રીતે 33 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપે છે. બીજેડીના બીજુ મહિલા દળના રાજ્ય એકમના ઉપાધ્યક્ષ મીરા પરિદાએ મહિલા સશક્તિકરણ તરફ નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની તેમની પાર્ટીની પહેલની પ્રશંસા કરી હતી. વ્યાપક સુધારાની હિમાયત કરતાં તેમણે કહ્યું, “માત્ર સીટોનું આરક્ષણ પૂરતું નથી. આપણને એક સાંસ્કૃતિક પરિવર્તનની જરૂર છે જેમાં મહિલાઓને નેતા અને નિર્ણય લેનાર તરીકે જોવામાં આવે.


‘લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી સાત તબક્કામાં યોજાઈ રહી છે અને વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા માટે મતોની ગણતરી 4 જૂને થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાયું હતું, જ્યારે અન્ય તબક્કા હેઠળ 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થવાનું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button