હરિયાણાના નૂંહમાં હિંસા મામલે કોંગ્રેસના વિધાન સભ્ય મમ્મન ખાનની ધરપકડ

હરિયાણાના નૂંહમાં હિંસા મામલે કોંગ્રેસના વિધાન સભ્ય મમ્મન ખાનની ધરપકડ

હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહમાં થયેલા કોમી રમખાણ મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના વિધાનસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સંબંધમાં નોંધાયેલી કેટલીક એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગયા અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન ખાનની પૂછપરછ કરી હતી. આજે શુક્રવારે તમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

પોલીસે વિધાનસભ્ય મમ્મન ખાનના ગામ ભાડાસ અને આસપાસના વિસ્તારને પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મમ્મન ખાન પર હિંસા દરમિયાન અસામાજિક તત્વોના સંપર્કમાં હોવાનો આરોપ છે. આ સિવાય તેના પર સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરીને હિંસા ભડકાવવાનો આરોપ છે.

પોલીસે પૂછપરછ માટે મમન ખાનને બે વખત નોટિસ પાઠવી હતી, પરંતુ તેમણે તપાસમાં સહકાર આપ્યો ન હતો. મમ્મન ખાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને હિંસા કેસની નિષ્પક્ષ તપાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

આ પહેલા નૂંહ હિંસાના આરોપી કથિત ગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. નૂંહ કોર્ટે તેને રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. રાજસ્થાનના રહેવાસી નાસીર-જુનૈદની હત્યા કેસમાં પણ મોનુનું નામ સામેલ છે.

આ સિવાય પોલીસે હરિયાણાના નૂંહમાં કોમી રમખાણ દરમિયાન એક વ્યક્તિ પર ગોળી મારવાના આરોપીની પણ ધરપકડ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે સોહના સિટી પોલીસ સ્ટેશનમાં 31 જુલાઈના રોજ નોંધાયેલી એફઆઈઆરના આધારે મોહમ્મદ કૈફ નામના શખ્સની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે 31 જુલાઈના રોજ નૂંહમાં વિશ્વ હિન્દુ પરિષદની જલાભિષેક યાત્રા પર ટોળાએ હુમલો કર્યો હતો ત્યાર બાદ નૂંહ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં છ લોકો માર્યા ગયા હતા, ગુરુગ્રામમાં મસ્જિદ પર થયેલા હુમલામાં એક ઈમામનું મોત થયું હતું.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button