IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2024, LSG vs RR highlights: રાજસ્થાને લખનઊને બતાવી દીધું, ‘હું ઇઝ ધ બૉસ’

સૅમસનની ટીમ નવમાંથી આઠ મૅચ જીતીને પ્લે-ઑફમાં લગભગ નક્કી: ધ્રુવ જુરેલ ચમક્યો, રાહુલ-હૂડાની ભાગીદારી એળે ગઈ

લખનઊ: રાજસ્થાન રોયલ્સે લખનઊ સુપર જાયન્ટ્સને શા માટે પોતે ઘણા દિવસથી પોઈન્ટ્સ-ટેબલમાં મોખરે છે એ શનિવારે રાત્રે હાથમાંથી જઈ રહેલી બાજી જીતીને બતાવી દીધું હતું. વિકેટકીપર-બૅટર કેએલ રાહુલની ટીમ આ જંગ અગાઉ લખનઉના હોમ-ગ્રાઉન્ડ પર ચારમાંથી ત્રણ મૅચ જીતીને 75% વિનિંગ રેશિયો ધરાવતી હતી એટલે વિકેટકીપર-બૅટર સંજુ સૅમસનની ટીમ સામે જીતવા થોડી ફેવરિટ હતી, પરંતુ ખુદ સૅમસન અને ઓચિંતા ફોર્મમાં આવી ગયેલા ધ્રુવ જુરેલની જોડીએ ફક્ત 10.2 ઓવરમાં 121 રનની અતૂટ ભાગીદારી સાથે રાજસ્થાનને છ બૉલ બાકી રાખી સાત વિકેટના મોટા માર્જિનથી વિજય અપાવી દીધો હતો. એ સાથે, મહામહેનતે 115 રનની પાર્ટનરશિપ કરનાર રાહુલ અને દીપક હૂડાની બધી મહેનત પાણીમાં ગઈ હતી.

રાજસ્થાન હારી શકે એવી સ્થિતિ બે વાર સર્જાઈ હતી. એક તબક્કે રાજસ્થાને 78 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને બીજા એક તબક્કે એણે છેલ્લા 116 રન માત્ર 10 ઓવરમાં બનાવવાના હતા. આ બન્ને જટિલ પરિસ્થિતિમાં સૅમસન અને જુરેલ ટીમની વહારે આવ્યા હતા. રાજસ્થાને 197ના ટાર્ગેટ સામે 19 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 199 રન બનાવ્યા હતા.


મૅન ઑફ ધ મૅચ સૅમસન 33 બૉલમાં ચાર સિક્સર અને સાત ફોરની મદદથી બનાવેલા 71 રને તથા જુરેલ 34 બૉલમાં બે છગ્ગા અને પાંચ ચોક્કાની મદદથી બનાવેલા બાવન રને અણનમ રહ્યો હતો.


એ પહેલાં યશસ્વી જયસ્વાલે 24 રન, જોસ બટલરે 34 રન અને રિયાન પરાગે 14 રનનું યોગદાન આપ્યું હતું. અગાઉની મૅચમાં વિનિંગ સેન્ચુરી કરનાર યશસ્વીની વિકેટ માર્કસ સ્ટોઈનિસે, બટલરની યશ ઠાકુરે અને પરાગની પીઢ સ્પિનર અમિત મિશ્રાએ લીધી હતી.


લખનઉના સાત બોલરમાંથી માત્ર સ્ટોઈનિસ, યશ ઠાકુર અને અમિત મિશ્રાને એક-એક વિકેટ મળી હતી. 41 વર્ષના મિશ્રાને આ સીઝનમાં પહેલી વાર રમવા મળ્યું જેમાં તેણે હાર જોવી પડી.


એ અગાઉ, લખનઊએ બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 196 રન બનાવ્યા હતા જેમાં રાહુલ (76 રન, 48 બૉલ, બે સિક્સર, આઠ ફોર) અને હૂડા (50 રન, 31 બૉલ, સાત ફોર)ના સૌથી મોટા યોગદાન હતા. અગાઉની મૅચમાં વિનિંગ અણનમ 124 રન બનાવનાર સ્ટોઈનિસ આ મૅચમાં ઝીરોમાં આઉટ થયો હતો. તેને સંદીપ શર્માએ કલીન બોલ્ડ કર્યો હતો. નિકોલસ પૂરને 11 રન, આયુષ બદોનીએ અણનમ 18 અને કૃણાલ પંડ્યાએ અણનમ 15 રન બનાવ્યા હતા. રાજસ્થાનના સંદીપ શર્માએ સૌથી વધુ બે તેમ જ બોલ્ટ, આવેશ ખાન અને અશ્વિનને એક -એક વિકેટ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button